અમદાવાદની મણિનગર પોલીસને ઘરફોડ ચોરીનો ઉકેલવામાં મળી સફળતા
પોલીસ સામે તપાસમાં ચોરીનું એક્ટિવા લઈને બીજી ચોરી કરવા ગયા હતાની કબૂલાત
અમદાવાદની મણિનગર પોલીસને ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલવામાં મોટી સફળતા મળી છે, સ્વામિનારાયણ મંદિરની પાસેની પંચવટી સોસાયટીમાં રહેતા અને નિવૃત જીવન ગુજારતા ફરિયાદી અનિલભાઈ ઘનશ્યામભાઈ ભાવસારના રહેણાંક મકાનના દરવાજાનું તાળું તોડી, પ્રવેશ કરી, અજાણ્યા આરોપીઓ મકાનમાં રાખેલ રોકડા રૂ. ૬૭,૦૦૦/-, ચાંદીની વાટકીઓ નંગ ૦૩, ચાંદીના ગ્લાસ નંગ ૦૨, ચાંદીના સિક્કા ૦૫, ચાંદીનો જાેડો, સોનાનું મંગળસૂત્ર, સોનાની વીંટી, વિગેરે મળી, કુલ રૂ. ૧,૧૧,૫૦૦/- ની ચોરી કરી નાસી ગયા હતા તે કેસમાં મણિનગર પોલીસની ટીમે બે આરોપીની ધરપકડ કરી છે.
આ કેસમાં પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ કરતા, આ ગુનામાં પુરુષ અને સ્ત્રી એવા બે આરોપીઓ એકટીવા મોટર સાયકલ ઉપર આવતા અને ઘરમાં પ્રવેશતા નજરે પડેલ હતા. એકટીવા બાબતે આજુબાજુના કેમેરા તેમજ આવવાના તથા જવાના રૂટ ઉપર અસંખ્ય કેમેરા ચેક કરતા, એક્ટિવાનો નંબર મેળવી, પોકેટ કોપ એપ્લિકેશન આધારે સર્ચ કરતા, આ એકટીવાના માલિકના નામ સરનામા આધારે તપાસ કરવામાં આવતા, મૂળ માલિક વિપુલ કિશોરભાઈ પંચાલ રહે. પ્રહલાદનગર, સેટેલાઇટ, અમદાવાદનો સંપર્ક કરી, તપાસ કરતા, આ એકટીવા નવ માસ જેટલા સમય પહેલા નારોલ વિસ્તારમાં આવેલ એક્સીસ બેંક ખાતેથી ચોરી થઈ ગયેલ હોવાની વિગત પોલીસને જાણવા મળેલ હતી. તે પછી પોલીસ કંટ્રોલ રૂમના કેમેરા આધારે તપાસ કરતા, ભૂતકાળમાં આ એક્ટિવાની હાજરી નારોલ વિસ્તારમાં જણાઈ આવતા, સુરેશભાઈ ભરવાડની ઓફિસે આ મહિલા અને પુરુષ ગયેલાની વિગત મળતા, સુરેશભાઈ ભરવાડની પૂછપરછમાં જાણવા મળેલ કે, પોતે જમીન લે વેંચનો ધંધો કરતા હોય, આ છોકરી ઉમાબેન અને એનો બાપ લાખાભાઇ દેવીપૂજક એક જમીનના પ્લોટ રાખેલ હોય, જેના રૂપિયા દેવા આવેલ હતા અને નારોલ વિસ્તારમાં રંગોલી નગર ખાતે રહેતા હોવાનું સરનામું મળતા, મણિનગર પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક બતાવેલ સરનામે તપાસ કરતા, છોકરી ઉમા ઉર્ફે ઉર્મિલા વા/ઓ વિજયભાઈ ડાભી દેવીપૂજક ઉવ . ૨૫ તથા તેના પિતા માલાભાઈ નાથાભાઈ સમેચા દેવીપૂજક ઉવ. ૪૮ રહે. ૧૯, હરસિધ્ધિનગર, ગુરુકૃપા રોડ, રંગોળીનગર, નારોલ, અમદાવાદ મૂળ રહે.
આંબાવાડી ખેતરમાં, રાધનપુર જી. પાટણ ને એકટીવા મોટર સાયકલ તથા મૂર્તિઓ, કપડાં, ચોરી કરવાના ડિસ્મિસ, કટર સહિતના સાધનો મળી કુલ કિંમત રૂ. ૬૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી, જેઓ બંનેની પ્રાથમિક પૂછપરછમાં શરૂઆતમાં ગલ્લાંતલ્લા કરવા લાગતા, તેના નામ આધારે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, માલાભાઈ દેવીપૂજક ભૂતકાળમાં સને ૨૦૦૭ થી સને ૨૦૨૪ દરમિયાન અમદાવાદ શહેરના નરોડા, પાટણ જિલ્લાના બી ડિવિઝન, બનાસકાંઠા જિલ્લાના થરાદ, કચ્છ જિલ્લાના આદિપુર, ગાંધીધામ એ ડિવિઝન, ગાંધીનગર જિલ્લાના અડાલજ, સેક્ટર ૦૭, રાજકોટ શહેરના ગાંધીગ્રામ, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સહિતના આશરે દશેક પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલ હોવાની અને રાજકોટ શહેરના ગુનાઓમાં પાસા ધારા હેઠળ જેલની હવા ખાઈ ચૂકેલ છે.

