નડિયાદ શહેરમાં 4 જેટલા વિસ્તારોમાં ઝાડા-ઉલ્ટીના કેસો આવી રહ્યા હતા. હાલ સુધીમાં 100 જેટલા ઝાડા-ઉલ્ટીના કેસો સામે આવ્યા છે.
આ પૈકી એક કેસ કોલેરોના આવતા તંત્ર દ્વારા આ વિસ્તારોને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યો છે અને અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.
પાણીના લીકેજથી માંડીને ઘરે ઘરે પહોંચી સર્વેની કામગીરી કોર્પોરેશનના આરોગ્ય તંત્ર વિભાગ કરી રહ્યું છે. આ વચ્ચે આ વિસ્તારમાં કોર્પોરેશને 2 બરફની ફેક્ટરી બંધ કરી છે અને અંદાજે 250 જેટલા બરફના સ્લેબનો નાશ કરાયો છે.

નડિયાદમાં શાંતિનગર, કબ્રસ્તાન ચોકડી, ભીલવાસ, ઠાકોરવાસ, ઓમનગર સોસાયટી વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી ઝાડા-ઉલ્ટીના કેસો ખાનગી હોસ્પિટલોમાં અને સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે.
ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં મળી આ ઝાડા ઉલ્ટીના 100 જેટલા કેસો સામે આવ્યા છે. જોકે તંત્રના ચોપડે માત્ર 50 દર્શાવવામાં આવ્યું છે.
બીજી તરફ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં 34 દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે જેમાં 22 લોકો પુખ્ત વયના છે અને 12 બાળકો છે. તો અન્ય લોકો પણ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.
આ ઝાડા ઉલટીના કેસો પૈકી એક દીકરીનો કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવી ગયું હતું અને ઘેરઘેર આરોગ્યની તપાસણી સહિતની કામગીરી કરવામાં લાગ્યું છે.

બીજી તરફ કોર્પોરેશને સ્થળ પર પહોંચી દુષીત પાણી કેવી રીતે આવી રહ્યું છે તે માટે લીકેજ શોધવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં અત્યાર સુધીમાં 3 લીકેજ આ વિસ્તારમાં મળી આવતા તેને દુર કરાયા છે.
આ ઉપરાંત જિલ્લા કલેકટરે ખાસ આ વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરી અસરકારક કામગીરી કરવા આદેશ આપતા કોર્પોરેશન વિભાગે પાણીના સેમ્પલો લીધા છે અને બરફની લારીઓ, પાણી પુરીની લારીઓ જેવા 9 યુનિટ સીલ કર્યા છે.
આ ઉપરાંત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અહેવાલ મુજબ આજે 250 બરફના સ્લેબનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ 2 બરફની ફેક્ટરી બંધ કરવામાં આવી છે. કમિશનર અને આરોગ્ય વિભાગે આ વિસ્તારના રહીશોને પાણી ઉકાળીને પીવા અને બહારનો ખોરાક ન ખાવા અપીલ કરી છે.

મહાનગરપાલિકાના કમિશનર જી.એચ.સોલંકીએ જણાવ્યું કે, શહેરમાં 5 જેટલા વિસ્તારોમાં ત્રણ દિવસથી સતત ઝાડા ઉલટીના કેસો આવી રહ્યા છે. હાલ 50 જેટલા કેસો નોંધાયા છે આ ઝાડા ઉલટી કેસો પૈકી એક કોલેરાગ્રસ્ત પોઝિટિવ કેસ આવ્યો હતો. જેથી અમારી ટીમે તુરંત આ તમામ વિસ્તારોમાં પહોંચી સર્વેલન્સની કામગીરી હાથ ધરી હતી.
આ ઉપરાંત ગટર અને પીવાના પાણીની લાઈન ચેક કરવામાં આવી હતી જેમાં ત્રણેક લીકેજ મળતા તેને તાત્કાલિક ધોરણે દૂર કરાયા હતા. આ સાથે સુપર ક્લોરીનેશન પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ કોર્પોરેશનના સંયુક્ત ટીમ દ્વારા આ વિસ્તારમાં બરફની લારીઓ પાણીપુરીની લારીઓ જેવા નવ યુનિટીઓને સીલ પણ કરાયા છે આ સાથે કોર્પોરેશને 2 બરફ ફેક્ટરી બંધ કરી છે અને 250 બરફના સ્લેબનો નાશ કર્યો છે.

