નડિયાદ શહેરમાં ઉભી થયેલી કોલેરાના રોગચાળાની પરિસ્થિતિને લઈને તંત્ર કામગીરીના દાવા કરી રહ્યું છે, ત્યારે શાંતિ ફળિયુ અને અમદાવાદી દરવાજા વિસ્તાર અસરગ્રસ્ત થયો છે ત્યાંના રહીશો તંત્ર કોઈ ગંભીરતા દાખવી ન રહ્યું હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.
કેટલાક વિસ્તારોમાં ક્લોરિનની દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું ન હોવાનું અને આરોગ્યની કોઈ જ સારવાર મળી રહી ન હોવાનો આક્ષેપ રહીશો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
બીજી તરફ કોલેરાના 35 કેસ મળ્યા બાદ શુક્રવારે વધુ 100 દર્દી શંકાસ્પદ કોલેરાના મળી આવ્યા છે.
13 તારીખથી ચાલી રહેલી કોલેરાની પરિસ્થિતિ બાદ હજી પણ પીવાલાયક પાણી આવતું ન હોવાનો રોષ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.
ઘરેઘરે ઝાડા ઉલ્ટીના દર્દીઓ જોવા મળે છે. જેમને વધુ અસર થઈ છે તેમને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે જ્યારે અન્યને ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે.
હરિદાસ અર્બન હેલ્થ સેન્ટરમાં ડોક્ટર હાજર નથી હોતાં
જે કોલેરા અસરગ્રસ્ત વિસ્તાર છે ત્યાંના દર્દીઓ હરિદાસ અર્બન હેલ્થ સેન્ટરમાં શુક્રવારે સારવાર માટે પહોંચ્યા હતા તે સમયે ત્યાં તબીબ જ હાજર ન હોવાનું સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
એકતરફ શહેરમાં રોગચાળાની સ્થિતી ઉભી થઇ છે ત્યારે આરોગ્ય તંત્રની બેદરકારી અને મનપાની બેદરકારીને કારણે સ્થિતી વધુ વણસે તેવી ભિતી સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બિનઆરોગ્યપ્રદ પીણાંનુ વેચાણ, ઠેરઠેર ઉભરાતી ગટર
શહેરના બે વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા બાદ પણ શહેરના અન્ય વિસ્તારોમાં પણ રોગચાળો ફેલાય તેવી તંત્રની ગંભીર બેદરકારી જોવા મળે છે.
બિનઆરોગ્યપ્રદ ખાણીપીણી અને પીણાં પર પ્રતિબંધ મૂકાય તે જરૂરી છતાં બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે. ઉપરાંત શહેરમાં પાણીની લાઇનમાં થયેલ ભંગાણથી કોલેરાનો રોગચાળો ફેલાવાની ભિતી જોવા મળી રહી છે.
રોગચાળાને નિયંત્રણમાં લેવા કોઇ કામગીરી નહીં
છેલ્લા 5 દિવસથી ગંદુ પાણી આવે છે. મનપાના કર્મીઓ ડોકિયું કરવા પણ આવ્યા નથી. રોજ ગટરો ઉભરાય છે.
સમગ્ર વિસ્તારમાં હાલમાં રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે કોઇ કાર્યવાહી કરાઈ રહી નથી. જેને પગલે સ્થાનિકો રોગચાળાનો ભોગ બની રહ્યાં છે. > આશાબેન મારવાડી, સ્થાાનિક
પીવાના પાણીમાંથી અતિશય દુર્ગંધ આવે છે
શાંતિ ફળિયામાં છેલ્લા ઘણાં દિવસથી મનપા દ્વારા અપાતું પીવાનું પાણી ગંદુ આવી રહ્યું છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો બિમાર પડી ગયા છે.
આ વિસ્તારના અર્બન હેલ્થ સેન્ટરમાં ડોક્ટર હાજર ન હોવાને લઈ ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

