Gujarat

કપડવંજમાં પતિએ પત્નીનું ગળું દબાવ્યું, ગળતેશ્વરમાં ત્રણ દીકરીઓની માતા પર ત્રાસ

ખેડા જિલ્લામાં પરિણિતાઓ પર અત્યાચારના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. આજે એકી સાથે બે જૂદા-જૂદા બનાવો સામે આવ્યા છે. જેમાં પુત્રની ઘેલાછાએ બે સાસરીયાઓએ બે પરિણિતા પર ત્રાસ વર્તાવ્યો છે.

કપડવંજ ગ્રામ્યમાં બનેલા બનાવે તો‌ તમામ હદ વટાવી અને આ બાબતે પતિએ પત્નીનું ગળુ દબાવી મારમારીની ઘટના સામે આવી છે. સાસુ, સસરા અને નણંદની પણ ચઢામણી સાએ આવી છે.

જ્યારે ગળતેશ્વર પંથકમાં ત્રણ દીકરીની માતા પર પતિ અને સાસુનો ત્રાસ આ બાબતે સામે આવતા બંને પરીણિતાઓએ હદ ધરાવતા પોલીસ મથકે પોતાના સાસરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પહેલો બનાવ

પહેલા બનાવની વિગત જોઈએ તો, કપડવંજ ગ્રામ્ય વિસ્તારની 32 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2023મા યુવાન સાથે થયા હતા. લગ્ન બાદ સાસરે આવેલી પરીણિતા પોતાના પતિ, સાસુ, સસરા અને નણંદ સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. બાદમાં સારા દિવસો રહેતા તેણીએ એક દિકરીને જન્મ આપ્યો હતો. જોકે દિકરીના જન્મ બાદ સાસરીયાઓને પુત્ર જોઈતો હોય તેની આશા હતી.

પરંતુ દિકરી આવતા પતિ, સાસુ, સસરા અને નણંદનુ વર્તન પરીણિતા પ્રત્યે બદલાયું હતું. ગમેતેમ બોલી આ બાબતે ઝઘડો કરતા હતા. આ ઉપરાંત સાસુ, સસરા અને નણંદની પણ ચઢામણીથી પતિએ એક દિવસ આ બાબતની રીસ રાખી પીડીતાનુ ગળુ દબાવી મારમારી હતી.

આથી આ બનાવ મામલે પીડીતાએ પોતાના પતિ, સાસુ, સસરા અને નણંદ સામે કપડવંજ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજો બનાવ

બીજા બનાવની વિગત જોઈએ તો, ગળતેશ્વર તાલુકાના એક ગામે રહેતી લઘુમતી સમાજની 30 વર્ષિય દીકરીના લગ્ન ચૌદ વર્ષ અગાઉ હાલોલના યુવાન સાથે જ્ઞાતિના રીતી રીવાજ મુજબ થયા હતા.

લગ્ન બાદ પરીણિતાના કુખે ત્રણ દીકરીઓ જન્મી હતી. પરંતુ પતિ અને સાસુ પુત્ર ઈચ્છતા હોય આ બાબતે પીડીતા પર આ બંને લોકો ત્રાસ વર્તાવતા હતા. ગમેતેમ અપશબ્દો બોલી મારઝુડ પરીણિતા સાથે કરતા હતા.

આથી આ બાબતે પીડીતાએ પોતાના પતિ અને સાસુ વિરુદ્ધ સેવાલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.