Gujarat

ભાવનગરના નારી અને કમળેજ ગામમાં પૂરના પાણીમાં ફસાયેલા 58 લોકોને સુરક્ષિત બહાર કઢાયા

ભાવનગરના નારી ગામ પાસે આવેલા મીઠાના અગરમાં પાણી ભરાઈ જતાં 33 લોકો ફસાઈ ગયા હતા. આ લોકોમાં પશુપાલકો અને મીઠાના અગરમાં કામ કરતા કર્મચારીઓનો સમાવેશ થાય છે.

લોકો ઘરે પરત ન ફરતા તેમના પરિવારજનોએ ડિઝાસ્ટર વિભાગને જાણ કરી હતી. તરત જ ગ્રામ્ય મામલતદાર બળદેવ બેલદાર અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બોટ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

બીજી તરફ, કમળેજ ગામ પાસે પણ 4 વ્યક્તિઓ પાણીમાં ફસાયા હોવાની જાણ થતાં હેડક્વાર્ટરથી ગાડી અને ફાઈબર બોટ એન્જિન સાથે બચાવ ટીમ રવાના કરવામાં આવી હતી. કમળેજ ગામ પાસે 10 નાળાથી 2 કિલોમીટર સુધીના નદી વિસ્તારમાંથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સમગ્ર બચાવ કામગીરીમાં કુલ 58 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. જેમાં 39 પુરુષ, 10 મહિલા અને 9 બાળકોનો સમાવેશ થાય છે.