ગોધરા શહેરમાં ગઈકાલે મોડી રાતે અચાનક શરૂ થયેલા વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ધોધમાર વરસાદથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
બી એન ચેમ્બરમાં પાર્ક કરેલી બાઈકો પાણીમાં ડૂબી ગઈ છે. બી વી ગાંધી પેટ્રોલ પંપ પાસેની સ્ટેશનરી દુકાનમાં પાણી ભરાતાં પાઠ્યપુસ્તકોને નુકસાન થયું છે. રસ્તા પર પાર્ક કરેલી કેટલીક કાર પણ પાણીમાં ફસાઈ ગઈ છે.

લાલબાગ બસ સ્ટેન્ડ, અંકલેશ્વર મહાદેવ, ભૂરાવાવ વિસ્તાર, ખાડી ફળિયા, ચિત્રા ખાડી, રામેશ્વર નગર, સિંધુરી માતા મંદિર, છકડાવાડ, રામનગર, સૂર્યનગર, પાવર હાઉસ અને વાલ્મિકી વાસ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે.
આ વર્ષનો પ્રથમ વરસાદ હોવા છતાં આટલી મોટી સમસ્યા સર્જાઈ છે. શહેરમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી આવી સ્થિતિ સર્જાઈ છે. જો વરસાદ વધુ પડશે તો મોટાભાગના વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાવાની શક્યતા છે.