વડોદરા ડિવિઝન હેઠળના મહત્વપૂર્ણ બાજવા–અમદાવાદ (બી.જે. ડબલ્યુ–એ.ડી.આઇ.) રેલ વિભાગમાં કવચ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમનું સફળ ઈંસ્ટોલેશન
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન હેઠળના મહત્વપૂર્ણ બાજવા–અમદાવાદ (બી.જે. ડબલ્યુ–એ.ડી.આઇ.) રેલ વિભાગમાં કવચ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમનું સફળ કમિશનિંગ કરવામાં આવ્યું છે, મહત્વનું છે કે આ પશ્ચિમ રેલવેમાં પ્રથમ છે.
બાજવાથી અમદાવાદના ૯૬ કિલોમીટર લંબાઈના રૂટમાં ૧૭ રેલવે સ્ટેશનો કવર કરાયા છે. જેમાં ૨૩ ટાવર અને ૨૦ કવચ ઇમારતોનો સમાવેશ થાય છે. ૧૯૨ કિલોમીટર લંબાઇના રેલ્વે નેટવર્ક પર ઓ.એફ.સી.(ઓપ્ટિકલ ફાઇબર કોમ્યુનિકેશન કેબલ) નાખવામાં આવ્યા છે. આર.એફ.આઈ. ડી. (રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન) ટેગ્સ ૨૮૭૨ ઇન્સ્ટોલ કરાયા છે. કવચ સિસ્ટમથી સંપૂર્ણ સજ્જ પ્રથમ ટ્રેન સંકલ્પ ફાસ્ટ પેસેન્જર ટ્રેન ૧૧ એલ.એચ.બી. (લિંકે-હોફમેન-બુશ) કોચ સાથે દોડાવી છે. વડોદરા ડિવિઝનના પ્રતાપનગર તેમજ અમદાવાદ ખાતે એન.એમ.એસ (નેટવર્ક મેનેજમેન્ટ સિસ્ટમ) સ્થાપિત કરાઈ છે.
કવચ સિસ્ટમ સંપૂર્ણ રીતે કાર્યરત બનતા રેલવે સંચાલનમાં સલામતીના જાેખમો આપમેળે નિયંત્રિત થશે. જે એસ.પી.એ.ડી.( સિગ્નલ પાસ્ડ એટ ડેન્જર)થી થનારા અકસ્માતો અટકાવશે. આપમેળે ગતિ નિયંત્રણ (સેક્શનલ સ્પીડ, લૂપ લાઇન તથા પી.એસ.આર (પરમનેન્ટ સ્પીડ રિસ્ટ્રિક્શન) મોનીટરીંગ કરશે. સામસામે તથા પાછળથી થનારી ટક્કર સામે સુરક્ષા મળશે. લેવલ ક્રોસિંગ ગેટ પર આપમેળે વિસલિંગ થશે.
સોમવારે વડોદરા–અમદાવાદ ફાસ્ટ પેસેન્જર ટ્રેનમાં વડોદરા વિભાગના ડિવિઝનલ રેલવે મેનેજર રાજુ ભડકે હાજર રહી આ પ્રણાલીની કામગીરીનું નિરીક્ષણ કર્યું છે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટથી વડોદરા ડિવિઝનમાં રેલ મુસાફરી વધુ સલામત, વિશ્વસનીય અને આધુનિક બનશે.

