નિવૃત્તિ બાદનું જીવન નિરોગી અને પ્રવૃત્તિમય રહે તેવી શુભેચ્છા પાઠવતા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.પી.ચુડાસમા
પોલીસ ખાતામાં ૩૫ વર્ષની લાંબી સેવાઓ બાદ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર શ્રી રણજીતસિંહ સોલંકી આગામી ૩૧મી ડિસેમ્બરે વયનિવૃત્ત થઈ રહ્યા છે. એસએપી ગ્રુપ-૧૨માંથી એટેચમાં છેલ્લા ૧૬ વર્ષથી પીઆરઓ શાખા, પોલીસભવન ખાતે ફરજરત શ્રી સોલંકીને પીઆરઓ શાખા દ્વારા ભાવભરી વિદાય આપવામાં આવી હતી.
આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.પી.ચુડાસમાએ વય નિવૃત્ત થતા શ્રી રણજીતસિંહને શુભેચ્છાઓ આપતા કહ્યુ કે, સરકારી સેવામાંથી નિવૃત્ત થવું એક ફરજનો ભાગ છે ત્યારે તેમનું નિવૃત્તિ બાદનું જીવન નિરોગી અને પ્રવૃત્તિમય રહે તેમજ પરિવાર સાથે સુખમય પસાર થાય. એટલું જ નહીં, ખાતામાં અનુભવી કર્મચારીઓ વયનિવૃત્ત થઈ રહ્યાં છે ત્યારે તેમની સેવાઓની પીઆરઓ શાખાને ચોક્કસ ખોટ પડશે.
નિવૃત થતા શ્રી રણજીતસિંહે પોતાના પ્રતિભાવમાં કહ્યું કે, પોલીસ પરિવાર દ્વારા મને મળેલો અપાર પ્રેમ મારા માટે અવિસ્મરણીય રહેશે. ૩૫ વર્ષની સેવાઓમાં તમામ અધિકારી, કર્મચારીઓએ આપેલા સહયોગ-પ્રેમને પરિણામે મને અપ્રતિમ સફળતા મળી છે. તે માટે સૌનો આભાર માની તેમણે તેમના કાર્યકાળ દરમિયાનના અનુભવો તાજા કર્યા હતા.
આ પ્રસંગે પીઆરઓ ટુ ડીજીપી શ્રી વિપુલ ચૌહાણ, પીઆરઓ શાખાના પીએસઆઈ શ્રી કે.ઓ.દેસાઈ, શ્રી એસ.જી.ચૌહાણ, શ્રી રાહુલસિંહ ચુડાસમા સહિત પીઆરઓ શાખાના અધિકારી-કર્મચારીઓએ તેમની સાથેના સંસ્મરણો તાજા કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.

