મીની ગોડાઉન બનાવી દારૂનો અડ્ડો શરૂ કર્યો
પોલીસે ત્રાટકીને ૨.૬૬ લાખની ૪૭૦ બોટલો જપ્ત કરી
ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશનના સ્ટાફે સાંતેજથી વડસર જતા રોડ પર ગીરનારી આશ્રમ પાછળ આવેલા એક ખેતરમાં મંદિરની આડમાં ચાલતા વિદેશી દારૂના અડ્ડાનો પર્દાફાશ કરી ૨ લાખ ૬૬ હજારથી વધુની કિંમતની ૪૭૦ જેટલી અલગ અલગ બ્રાન્ડની બોટલો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાેકે પોલીસની આ રેઇડ દરમિયાન મુખ્ય સૂત્રધાર સ્થળ પરથી નાસી જવામાં સફળ રહ્યો હતો. ગાંધીનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સાંતેજ પોલીસે બાતમીના આધારે વડસર રોડ પર આવેલા એક ખેતરમાં રેઇડ પાડી વિદેશી દારૂના મોટા જથ્થાનો પર્દાફાશ કર્યો છે. સાંતેજ પોલીસ મથકના પીઆઇ એસ. આર. મૂછાળ પોતાની ટીમ સાથે નાઇટ પેટ્રોલિંગ માં નિકળ્યા હતા.
આ દરમિયાન બાતમી મળી હતી કે સાંતેજ ગામના પેદાજી તરીકે ઓળખાતા કમલેશજી ભવાનજી ઠાકોરે પોતાના ખેતરમાં ગોગા મહારાજના મંદિરની સામે આવેલા કાચા છાપરામાં વિદેશી દારૂનો મોટો સ્ટોક ઉતાર્યો છે અને તે ત્યાંથી જ છૂટક વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસ કાફલાએ બાતમીવાળા ખેતરમાં દરોડો પાડ્યો હતો.જાેકે બુટલેગર સ્થળ પર હાજર નહોતો. બાદમાં પોલીસે કાચા છાપરામાં પ્રવેશ કરતા ખાખી રંગના બોક્સનો મોટો થપ્પો લાગેલો હતો. જેથી મોબાઈલ ફોનની લાઈટના અજવાળે પોલીસે એક પછી એક બોક્સ ખોલતા તેમાંથી પંજાબ અને રાજસ્થાનમાં વેચાણ માટે માન્ય હોય તેવી પ્રીમિયમ વ્હિસ્કીની બોટલો મળી આવી હતી. જેની ગણતરી કરતા ૨ લાખ ૬૬ હજારથી વધુની કિંમતની ૪૭૦ જેટલી અલગ અલગ બ્રાન્ડની બોટલો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી વોન્ટેડ બુટલેગરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

