રાજકોટ ખાતે યોજાયેલી Battle Beast Clash–2 કરાટે ચેમ્પિયનશિપમાં જામનગરની યશસ્વી ચરકે ચેમ્પિયનશિપ ટ્રોફી જીતીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. યશસ્વી રિલાયન્સ ટાઉનશીપ, જામનગરની રહેવાસી છે.
આ સ્પર્ધા WWF-સ્ટાઈલ ફાઇટ્સ પર આધારિત હતી, જેમાં ગુજરાતભરના 18 વર્ષથી ઉપરના ટોચના 20 સિનિયર કરાટે ખેલાડીઓએ ભાગ લીધો હતો. માત્ર 14+ વર્ષની ઉંમર ધરાવતી યશસ્વી આ સ્પર્ધાની સૌથી નાની સ્પર્ધક હતી.
યશસ્વીએ પોતાની અદમ્ય હિંમત, કુશળતા અને આત્મવિશ્વાસ સાથે તમામ સિનિયર ખેલાડીઓને પરાજય આપ્યો. સ્પર્ધાના અંતિમ તબક્કામાં, તેણે પોતાથી લગભગ 10 વર્ષ મોટા અને ગુજરાતના ટોચના સિનિયર કરાટે ખેલાડીને હરાવી નોંધપાત્ર સિદ્ધિ મેળવી.

યશસ્વીની આ અદ્વિતીય સફળતા બદલ પરિવારજનો, મિત્રો, રમતપ્રેમીઓ અને શુભેચ્છકો તરફથી અભિનંદન મળી રહ્યા છે. આ સિદ્ધિ પાછળ તેમના કોચ શ્રી ઉમાકાંત સેનાપતિ અને ઉત્કલ કરાટે સ્કૂલનું માર્ગદર્શન મહત્વનું રહ્યું છે. યશસ્વીની આ સફળતા યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે અને ગુજરાતના કરાટે જગતમાં નવી ઊર્જાનો સંચાર કરશે.

