Gujarat

ગાંધીનગર સખી સેન્ટરની મદદથી 20 ‎દિવસથી ખોવાયેલી દીકરી પિતાને મળી‎

ગાંધીનગરના સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફે 20 દિવસથી રસ્તો ભટકી ગયેલી એક 20 વર્ષની માનસિક અસ્વસ્થ યુવતીને શોધીને તેના પિતા સાથે મિલન કરાવ્યું છે, ગઈ 18 ફેબ્રુઆરીએ સેક્ટર-7 પોલીસને એક યુવતી એકલી મળી આવી હતી. પોલીસ તેને મદદ માટે સખી સેન્ટર લઈ ગઈ હતી. સેન્ટરના નિષ્ણાત સ્ટાફ દ્વારા જ્યારે યુવતીનું કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવ્યું ત્યારે અનેક પડકારો સામે આવ્યા હતા. યુવતી પ્રશ્નોના સ્પષ્ટ જવાબ આપી શકતી નહોતી અને તેની વર્તણૂક પરથી તે માનસિક બીમારીથી પીડાતી હોય તેવું જણાયું હતું. તે પોતાના ઘરનું ચોક્કસ સરનામું પણ તે જાણતી ન હતી.

સેન્ટરના બહેનોએ પ્રેમથી વાત કરી ત્યારે ખબર પડી સતત પ્રયત્નો બાદ યુવતીએ જણાવ્યું હતું કે, લગ્નના ટૂંકા ગાળામાં પતિ દ્વારા શારીરિક ત્રાસ અપાતા તેણે સાસરું છોડ્યું હતું અને પિતાના ઘરે જવા નીકળી હતી, પરંતુ રસ્તો ભટકી ગઈ હતી. તેણે અગાઉ બાળ સંરક્ષણ ગૃહમાં અભ્યાસ કર્યો હોવાની મહત્વની કડી સ્ટાફને મળી હતી.

આ એક નાનકડી વિગતના આધારે સખી સેન્ટરના સ્ટાફ દ્વારા તરતજ તપાસ કરવામાં આવી અને બાળ સંરક્ષણ ગૃહની મદદથી તેના પિતાનું સરનામું શોધી કાઢવામાં સફળતા મળી હતી. જ્યારે સેન્ટરનો સ્ટાફ યુવતીને લઈને તેના ઘરે પહોંચ્યો, ત્યારે પિતા-પુત્રી એકબીજાને મળીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા. દીકરી તેના પિતાને વળગી પડી અને કહ્યું કે, “હવે હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં.” પિતા પણ 20 દિવસથી પોતાની લાડલીને શોધી રહ્યા હતા.