ગીર સોમનાથ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે હોળી-ધુળેટીના તહેવારો પૂર્વે મોટી કાર્યવાહી કરી છે. વેરાવળ GIDC વિસ્તારમાંથી રૂ. 3.33 લાખના વિદેશી દારૂ સાથે બે બુટલેગરને ઝડપી પાડવામાં આવ્યા છે. એલસીબીને મળેલી બાતમીના આધારે ગત રાત્રે વેરાવળ GIDCમાં રામેશ્વર પેટ્રોલ પંપ પાસે રેડ કરવામાં આવી હતી.
રેડ દરમિયાન ઉના તાલુકાના ગરાળ ગામના કમલેશ પાંચાભાઈ જેઠવા કોળી અને સેજલિયા ગામના અક્ષય પુંજાભાઈ બાંભણીયા કોળીને GJ-18-BA-2627 નંબરની હ્યુન્ડાઈ વર્ના કારમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 178 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ, કાર અને ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 3,33,200/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બંને આરોપીઓ વિરુદ્ધ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

