Gujarat

રાજકોટ-અમદાવાદ સહિત ૪ શહેરોમાં ગરમીનો પારો ૪૧ને પાર

ગુજરાતમાં ગરમીનો પારો આસમાને પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે, જેમાં રાજકોટ, અમદાવાદ, ડીસા અને કંડલા સહિતના મુખ્ય શહેરોમાં તાપમાન ૪૧ ડિગ્રીને પાર કરી ગયું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના ૯ જિલ્લામાં ઓરેન્જ અને ૧૧ જિલ્લામાં યલો એલર્ટ સાથે હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આગામી ૩ દિવસ સુધી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં તાપમાન સામાન્ય કરતા ૭ ડિગ્રી જેટલું ઊંચું નોંધાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તકેદારી રાખવાની સૂચના અપાઈ છે. જાેકે, દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન નીચું રહેશે, પરંતુ ભેજને કારણે અસહ્ય બફારો અનુભવાશે. આગામી ત્રણ દિવસના પ્રકોપ બાદ ગરમીમાં ૨થી ૩ ડિગ્રીનો ઘટાડો થતા લોકોને આંશિક રાહત મળવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, સતત બિજા વર્ષે માર્ચ મહિનામાં અંગ દઝાડતી ગકમી યથાવત રહી છે. ગત વર્ષે પણ માર્ચ મહિનામાં તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર પહોંચ્યો હતો.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ કે દાસના જણાવ્યા અનુસાર, આજે કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જૂનાગઢ, રાજકોટ અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ સાથે હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે મહેસાણા, સાબરકાંઠા, ખેડા, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા, સુરતમાં યેલો એલર્ટ સાથે હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે.

ૈંસ્ડ્ઢ અને હવામાન વિભાગના રિપોર્ટ મુજબ, મોટાભાગના શહેરોમાં તાપમાન સામાન્ય કરતા ૩ ડિગ્રી સેલ્સિયસથી ૭ ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું નોંધાઈ શકે છે. રાજકોટ અને કંડલામાં આજે સૌથી વધુ ગરમી નોંધાઈ શકે છે, જ્યાં પારો ૪૧.૫ ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે દ્વારકા, ઓખા અને વેરાવળમાં તાપમાન પ્રમાણમાં નીચું રહેશે, પરંતુ ભેજને કારણે બફારો અનુભવાઈ શકે છે.

આ વર્ષે માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. જ્યારે આ સિઝનમાં મહત્તમ તાપમાન ૪૫.૫ ડિગ્રી સેલ્સિયસથી ૪૬ ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે. જ્યારે અન્ય હવામાન નિષ્ણાત એ.ટી.દેસાઈના જણાવ્યા અનુસાર પણ આ વર્ષે માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન ૪૧થી ૪૩ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે પહોંચી શકે છે. જ્યારે સિઝનમાં મહત્તમ તાપમાન ૪૫થી ૪૬ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં આગામી ૩ દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. અમદાવાદ, રાજકોટ, અને સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં તાપમાન ૪૧થી ૪૨ સુધી પહોંચી શકે છે. ત્યારબાદ પારો ૨થી ૩ ડિગ્રી નીચે જતા ગરમીમાં થોડી રાહત મળવાની શક્યતા છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી સેલ્સિયસને પાર ગયું છે. આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. અમદાવાદમાં આકાશ ખુલ્લું રહેશે અને સખત તડકો રહેવાની શક્યતા છે.