Gujarat

રાણીપમાં રાત્રે પથ્થરમારો:એક જ સમાજના બે જૂથે સામાન્ય બાબતમાં સામસામે પથ્થર ફેંક્યા, રોડ પર પાર્ક વાહનોના કાચ ફૂટ્યા

રાણીપના બલોલનગરમાં (૯ માર્ચ) રાત્રે સોસાયટીમાં રહેતા એક જ સમાજના બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી જે બાદ મામલો ઉગ્ર બનતા બંને પક્ષે સામસામે એકબીજા પર પથ્થર ફેંક્યા હતા. બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ૬ લોકોની અટકાયત કરી છે.

એક જ સમાજના બે જૂથ વચ્ચે બબાલ

બલોલનગરમાં વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા દંતાણી સમાજના બે જૂથ વચ્ચે રાતના સમયે પથ્થરમારો થયો હતો. સોસાયટીમાં રહેતા એક પરિવારના ત્યાં બહારથી કેટલાક લોકો આવ્યા હતા જેને લઈને બીજા પરિવારે વિરોધ કર્યો હતો. જે બાદ બંને પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો ઉગ્ર બન્યો હતો જેમાં બંને પરિવારના લોકોએ મારામારી કરી હતી.

સોસાયટીના ગેટ પાસે એકબીજા પર પથ્થર ફેંક્યા

બંને પરિવારે સોસાયટીના ગેટ પાસે સામસામે પથ્થરમારો પણ કર્યો હતો. પરિવારની મહિલાઓએ પણ એકબીજા પર પથ્થર ફેંક્યા હતા.બનાવની જાણ થતા રાણીપ પોલીસની ૪થી ૫ ગાડી સ્થળ પર પહોચી હતી. પોલીસે મામલો થાળે પાડી સ્થળ પરથી જ કેટલાક લોકોની અટકાયત કરી હતી. તમામ લોકોને રાણીપ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

૬ લોકોની અટકાયત

રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઇ કેતન વ્યાસે જણાવ્યું હતું કે બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. એક જ સમાજના લોકો વચ્ચે ઝઘડો થતાં પથ્થરમારો થયો હતો. કોઈને ઇજા પહોંચી નથી. સ્થળ પરથી જ ૬ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ મામલે હાલ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.