Gujarat

19 વર્ષથી ફરાર કાલાવડના ડબલ મર્ડર-લૂંટનો આરોપી ઝડપાયો

જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ 19 વર્ષથી ફરાર ડબલ મર્ડર અને લૂંટના આરોપીને હરિયાણાના ગુરુગ્રામથી ઝડપી પાડ્યો છે. કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામની સીમમાં2007માં આ ગુનો બન્યો હતો.

ઘટના 14 જાન્યુઆરી, 2007ના રોજ બની હતી. મોટા વડાળા ગામના ધનજીભાઈ નંદાણીયાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમના ભત્રીજા ભીખાભાઈ ગોરધનભાઈ અને વિઠ્ઠલભાઈ ગોવિંદભાઈ નંદાણીયા પોતાનું જેસીબી લઈને પાતા મેઘપર ગયા હતા.

ત્યાં જેસીબી ઓપરેટર તરીકે કામ કરતા હરિયાણાના ઇરશાદ દિનમહમદ મેવ અને જમસેદ દિનમહમદ મેવ નામના બે ભાઈઓ સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ ઝઘડામાં બંને આરોપીઓએ ભીખાભાઈ અને વિઠ્ઠલભાઈની હત્યા કરી હતી.

હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે આરોપીઓએ જેસીબીનો ઉપયોગ કરીને ખાડો ખોદી બંને મૃતદેહોને જમીનમાં દાટી દીધા હતા. ત્યારબાદ તેઓ જેસીબીની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

આ ગુનામાં એક આરોપી ઇરશાદ મેવ 2007માં જ પકડાઈ ગયો હતો, પરંતુ બીજો આરોપી જમસેદ દિનમહમદ મેવ (ઉંમર ૫૨) છેલ્લા 19 વર્ષથી પોલીસને થાપ આપી ફરાર હતો. તે સતત પોતાના રહેઠાણ અને ઓળખ બદલીને ધરપકડ ટાળી રહ્યો હતો.