National

બે દાયકા બાદ ખાણ વિભાગ જાગ્યો, વધુ કોલસો કાઢવાના આરોપ હેઠળ ટાટા સ્ટીલને ૧૭૫૫ કરોડની નોટિસ

ટાટા ગ્રૂપની સ્ટીલ કંપની ટાટા સ્ટીલ લિ.ને તેના એક મહત્વના ખાણ સંચાલનમાં કથિત રીતે જરૂર કરતાં વધુ કોલસો કાઢવા બદલ બે દાયકા પછી ખાણ વિભાગે રૂ. ૧૭૫૫.૧૧ કરોડની નોટિસ ફટકારી છે. કંપનીએ આ નોટિસ અંગે બીએસઈ અને એનએસઈને શનિવારે સત્તાવર નિયામક ફાઈલિંગના માધ્યમથી જાણ કરતા આ બાબત સામે આવી હતી. જાેકે, કંપનીએ ખાણ વિભાગના આક્ષેપો નકારી કાઢ્યા છે.

ટાટા સ્ટીલે એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું કે, નાણાકીય વર્ષ ૨૦૦૦-૦૧થી ૨૦૦૬-૦૭ વચ્ચે કંપનીની પશ્ચિમ બોકારો કોલિયરીમાં કથિત રીતે નિશ્ચિત મર્યાદાથી વધુ કોલસો કાઢવા માટે આ નોટિસ મોકલવામાં આવી છે, પરંતુ ખાણ વિભાગની આ માગણી અયોગ્ય છે. કંપનીનું કહેવું છે કે ખાણ વિભાગના આક્ષેપોનો કોઈ નક્કર આધાર નથી.

ઝારખંડના રામગઢ સ્થિત જિલ્લા ખાણ વિભાગે ૩૦ માર્ચ ૨૦૨૬ના રોજ એક માગણા નોટિસ જાહેર કરી હતી, જે કંપનીને ૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ મળી હતી. આ નોટિસમાં આક્ષેપ કરાયો હતો કે કંપનીએ વર્ષ ૨૦૦૦ થી ૨૦૦૭ વચ્ચે છ વર્ષના સમય દરમિયાન તેની પશ્ચિમ બોકારો કોલિયરીમાંથી અંદાજિત મર્યાદા કરતા વધુ લગભગ ૧૬૨૪૦૩૯૯ મેટ્રિક ટન ખનીજ કોલસો કાઢ્યો હતો.

ઝારખંડના રામગઢ સ્થિત જિલ્લા ખાણ ઓફિસે તેના દાવાને સાચો ઠેરવવા માટે સુપ્રીમ કોર્ટના કેસ ‘કોમન કોઝ વિ. યુનિયન ઓફ ઈન્ડિયા‘મં નિશ્ચિત કરાયેલા આધારો જેવા જ આધારોને ટાંક્યા છે. આ કથિત વધારાના ઉત્પાદનની કુલ નાણાકીય અસર રૂ. ૧૭૫૫૧૦૫૪૦૨૯ આંકવામાં આવી છે. ટાટા સ્ટીલના સંચાલને તેના સત્તાવાર ખુલાસામાં માગણી નોટિસ પર તિવ્ર અસહમતી વ્યક્ત કરી છે. કંપનીનું માનવું છે કે આ માગણીનો કોઈ નક્કર આધારા નથી. આ ઘટનાક્રમના જવાબમાં ટાટા સ્ટીલે આરોપો અને ભારે નાણાકીય માગણીનો વિરોધ કરવા માટે યોગ્ય ન્યાયિક અથવા અર્ધ ન્યાયિક મંચો સમક્ષ યોગ્ય કાયદાકીય પગલાં લેશે.