Gujarat

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો

ભાજપ વિકાસ કામો તો કોંગ્રેસ સ્થાનિક મુદ્દાઓ પર ફોક્સ કરશે

મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે. જિલ્લા પંચાયત,૧૦ તાલુકા પંચાયત, ૫ નગરપાલિકા અને નવરચિત મહેસાણા મહાનગરપાલિકા માટે આગામી ૬ એપ્રિલથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે.આ સ્થિતિમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ એડીચોટીનું જાેર લગાવ્યું છે અને પોતપોતાની રણનીતિ સાથે મેદાને ઉતર્યા છે.

‘ભાજપમાં યોગ્ય ઉમેદવારોની પસંદગીનું કામ પુરજાેશમાં ચાલી રહ્યું છે’

ભાજપ જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોરે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા સજ્જ હોય છે. ભાજપ માત્ર ચૂંટણી પૂરતું જ નહીં, પરંતુ સતત પાંચ વર્ષ પ્રજાની વચ્ચે રહી કામગીરી કરે છે. ભાજપ જિલ્લાની તમામ ૪૬૭ બેઠકો પર પૂરી તાકાતથી ચૂંટણી લડશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ તથા વિકાસ કાર્યોને આધારે ભાજપ ફરી એકવાર જંગી બહુમતી મેળવશે તેવો દાવો પક્ષે કર્યો છે. હાલમાં ભાજપમાં સેન્સ પ્રક્રિયાથી યોગ્ય ઉમેદવારોની પસંદગીનું કામ પુરજાેશમાં ચાલી રહ્યું છે.

કોંગ્રેસે ૧૫ દિવસ અગાઉ સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી

સામે પક્ષે કોંગ્રેસે આ વખતે ભાજપને કાંટે કી ટક્કર આપવા માટે વહેલી તૈયારીઓ શરૂ કરી દીધી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે દાવો કર્યો છે કે, કોંગ્રેસે ૧૫ દિવસ અગાઉ જ ઉમેદવારોની પસંદગી માટેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. મહાનગરપાલિકા અને બહુચરાજી નગરપાલિકામાં પણ ૯૦ ટકા ઉમેદવારોના નામ નક્કી કરી લેવામાં આવ્યા છે. નવરચિત મહાનગરપાલિકાના નવા વિસ્તારો અને બદલાયેલી વોર્ડ રચનામાં જ્ઞાતિગત સમીકરણોને આધારે કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી કરી છે.

કોંગ્રેસ સ્થાનિક મુદ્દા ઉઠાવશે

આ ચૂંટણીમાં કોંગ્રેસ ખાસ કરીને ખેડૂતોના પ્રશ્નો, જમીન માપણીમાં અન્યાય અને મહાનગરપાલિકાના ૧૩ વોર્ડના સ્થાનિક પ્રશ્નોને હથિયાર બનાવી રહી છે. જ્યારે ભાજપ સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ, શહેરના આધુનિકીકરણ અને વિકાસના કામોને મુદ્દો બનાવી મતદારો પાસે જશે. ખાસ કરીને મહેસાણા પહેલીવાર મહાનગરપાલિકા તરીકેની ચૂંટણીમાં જઈ રહ્યું હોવાથી લોકોમાં પણ આ ચૂંટણીને લઈને ભારે ઉત્સુકતા અને આકર્ષણ જાેવા મળી રહ્યું છે.