Gujarat

આજના દિવસે ઓપરેશન મેઘદૂતમા અમદાવાદના કેપ્ટન નિલેશ સોની થયા હતા શહીદ

૨૯ મે, ૧૯૮૪: સિયાચીન ગ્લેશિયર. વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધક્ષેત્ર. ઓપરેશન મેઘદૂત પર કબજાે કરવા માટે સેનાના ૨૦ સૈનિકો પેટ્રોલિંગ પર નીકળ્યા હતા પરંતુ રસ્તામાં હિમપ્રપાતનો ભોગ બન્યા હતા. થોડા દિવસોમાં ૧૫ સૈનિકોના મૃતદેહ મળી આવ્યા હતા, પરંતુ ૫ જવાનોનો અતોપતો મળ્યો નહીં.

૧૫ ઓગસ્ટ, ૨૦૨૨ : ભારતીય સેનાએ ૪૨ વર્ષ પહેલાં ઓપરેશન મેઘદૂત દરમિયાન સિયાચીનમાં ગુમ થયેલા સૈનિકોમાંના એક લાન્સ નાયક ચંદ્રશેખર હરબોલનો મૃતદેહ શોધી કાઢ્યો.

દર વર્ષે ૧૩ એપ્રિલ આવે ને ઓપેરશન મેઘદૂત યાદ આવે. આજની પેઢી ઓપરેશન સિંદૂરથી પરિચિત હશે પણ ઓપરેશન મેઘદૂત બહુ કઠીન અને દુર્ગમ ઓપરેશન હતું. આજે ઓપરેશન મેઘદૂતની વાત કરીએ.

૧૯૮૪માં ભારતીય ગુપ્તચર એજન્સી ઇછઉ ને માહિતી મળી હતી કે પાકિસ્તાન સિયાચીન પર કબજાે કરવાની યોજના બનાવી રહ્યું છે. આ માટે તે બર્ફીલા પ્રદેશમાં તૈનાત તેના સૈનિકો માટે જર્મની પાસેથી મોટી માત્રામાં કપડાં અને લશ્કરી સાધનો ખરીદી રહ્યું હતું.

પાકિસ્તાને ૧૭ એપ્રિલ, ૧૯૮૪ સુધીમાં ઓપરેશન અબાબિલ દ્વારા સિયાચીન પર કબજાે કરવાની યોજના બનાવી હતી. આ માહિતી મળતાં તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ સેનાને સિયાચિન પર કબજાે કરવાનો અધિકાર આપ્યો.

માર્ચ ૧૯૮૪માં કુમાઉ રેજિમેન્ટની એક બટાલિયન અને લદ્દાખ સ્કાઉટ્સના યુનિટ, લેફ્ટનન્ટ કર્નલ ડી.કે. ખન્નાના નેતૃત્વમાં બરફથી ઢંકાયેલા ઝોજિલા પાસ થઈને સિયાચિન માટે પગપાળા રવાના થયા. ભારતીય સેનાના જવાનોએ પાકિસ્તાની રડારથી બચવા માટે પગપાળા મુસાફરી કરી.

આ પછી ભારતે ૧૦ એપ્રિલથી ૩૦ એપ્રિલ, ૧૯૮૪ દરમિયાન લેફ્ટનન્ટ જનરલ પ્રેમનાથ હૂનના નેતૃત્વમાં ઓપરેશન મેઘદૂતનું આયોજન કર્યું. બ્રિગેડિયર વિજય ચન્નાને સિયાચીનમાં સાલ્ટારો રિજ પર કબજાે કરવાની જવાબદારી સોંપવામાં આવી.

ચન્નાએ ૧૩ એપ્રિલની તારીખ પસંદ કરી કારણ કે તે વૈશાખીનો તહેવાર હતો અને પાકિસ્તાની સેનાને કલ્પના પણ નહોતી કે આ તહેવારના દિવસે ભારત લશ્કરી કાર્યવાહી કરશે.

પ્રથમ ચિત્તા હેલિકોપ્ટર ૧૩ એપ્રિલના રોજ સવારે ૫.૩૦ વાગ્યે બેઝ કેમ્પથી કેપ્ટન સંજય કુલકર્ણી અને એક સૈનિકને લઈને ઉડાન ભરી હતી. બપોર સુધીમાં ૨૯થી વધુ સૈનિકોને લઈને ૧૭ વધુ હેલિકોપ્ટર બિલાફોંડ લા પાસ પર ઉતર્યા. ખરાબ હવામાનને કારણે સૈનિકોનો હેડક્વાર્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો.

ચાર દિવસ પછી ૧૭ એપ્રિલના રોજ પાંચ ચિત્તા અને બે સ્ૈં-૮ હેલિકોપ્ટરે સિયા લા પાસ પર રેકોર્ડ ૩૨ ઉડાન ભરી ત્યારે સંપર્ક પુન:સ્થાપિત થયો. તે જ દિવસે એક પાકિસ્તાની હેલિકોપ્ટર ગ્લેશિયર ઉપરથી ઉડાન ભરી અને ત્યાં પહેલાથી જ તૈનાત ભારતીય સૈનિકોને જાેયા.

આમ ચાર દિવસમાં ઓપરેશન મેઘદૂત દ્વારા, ભારતીય સેનાએ લગભગ ૩,૦૦૦ ચોરસ કિલોમીટરનો પ્રદેશ કબજે કર્યો. જેમાં બે મુખ્ય સિયાચિન પાસનો સમાવેશ થાય છે: સિયા લા અને બિલાફોંડ લા. આ ઓપરેશનમાં આશરે ૩૦૦ ભારતીય સૈનિકોએ ભાગ લીધો હતો; ઓપરેશનમાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા જાણી શકાઈ નથી.

સિયાચિન ગ્લેશિયર કબજે કર્યા પછી ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એમએલ છિબ્બરે એક સત્તાવાર નોંધમાં લખ્યું, “સિયાચિનમાં બે મુખ્ય પાસ કબજે કરવામાં આવ્યા છે. દુશ્મનને ઝટકો આપ્યો અને હવે પાકિસ્તાન અને યુએસ નકશામાં ગેરકાયદેસર રીતે પીઓકે તરીકે દર્શાવવામાં આવેલા આશરે ૩,૩૦૦ ચોરસ કિલોમીટર જમીન પર આપણો કંટ્રોલ છે.”

૨૯ મે, ૧૯૮૪ ના રોજ ઓપરેશન મેઘદૂત હેઠળ કુમાઉ રેજિમેન્ટના ૨૦ સૈનિકો, ચંદ્રશેખર સહિત જેઓ સિયાચિનમાં એક હાઈએસ્ટ પોઇન્ટ ૫૯૬૫ કબજે કરવાના મિશનમાં સામેલ હતા, પણ હિમપ્રપાતને કારણે ગુમ થઈ ગયા.