અમદાવાદમાં સાબરમતી નદી પરના વાસણા બેરેજના દરવાજા રીપેરીંગ કરવાના હોવાના કારણે આજે 15 એપ્રિલના રોજ નદી ખાલી કરવામાં આવી છે. ત્રણ મહિના સુધી નદી ખાલી રહેશે અને બેરેજના 18 દરવાજાને રીપેર કરવાની કામગીરી કરવામાં આવશે. નદી ખાલી કરવામાં આવી છે જેના કારણે થઈ સુભાષબ્રિજના સુપર સ્ટ્રકચરને પણ તોડી પાડવામાં આવશે.
બેરેજની લાંબાગાળાની મજબૂતી માટે કામગીરી રાજ્ય સરકારના સિંચાઈ વિભાગના અમદાવાદ ડિવિઝન દ્વારા આજે 15 એપ્રિલથી 15 જુન સુધી સાબરમતી નદીને ખાલી રાખવામાં આવનાર છે. ચાલુ વર્ષે ડેમ સેફ્ટી’ (Dam Safety) અંતર્ગત કરવામાં આવેલા પ્રિ-મોન્સુન ઇન્સ્પેક્શન દરમિયાન નિષ્ણાતો દ્વારા બેરેજની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેના 30 ગેટ પૈકી 18 નવા ગેટ્સ બનાવવા તેમજ અન્ય ગેટ્સમાં જરૂરી રિપેરિંગ કરવાની ભલામણ કરવામાં આવી છે. બેરેજની લાંબા ગાળાની મજબૂતી અને સુરક્ષા જાળવી રાખવા માટે આ કામગીરી કરવામાં આવશે.
સુભાષ બ્રિજના છ સ્ટ્રક્ચર તોડી પડાશે બ્રિજ પ્રોજેક્ટ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ વાસણા બેરેજના દરવાજા નવા નાખવાના તેમજ રીપેરીંગની કામગીરી દરમિયાન સાબરમતી નદી ખાલી હોવાથી આ અઢી મહિનાના સમયગાળા દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુભાષ બ્રિજના છ સ્ટ્રક્ચર તોડવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.
બ્રિજનો તૂટેલો ભાગ નદીમાં પડતો હોવાથી સાબરમતી નદીમાં પાણી હોય ત્યારે કામગીરી ન કરી શકાય જેથી નદી ખાલી હોવાનો ફાયદો લઈને આ સમયગાળા દરમિયાન સ્ટ્રક્ચરને તોડવા માટેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. નદીમાં પાણી ચાલુ હશે ત્યારે સ્ટ્રક્ચર બનાવવા માટેની કામગીરી થઈ શકે છે. જેથી ડિમોલેશનની કામગીરી ત્રણ મહિનામાં જ પૂર્ણ કરી દેવામાં આવશે.

