ગુજરાત ભાજપની હાલની સોશિયલ મીડિયા સેલની ટીમ ખૂબ નબળી કામગીરી કરી રહી હોવાનો રીપોર્ટ છેક દિલ્હી સુધી પહોંચ્યો છે. હવે ભાજપનું સોશિયલ મીડિયા સંભાળવા માટે ખાસ પ્રોફેશનલ્સની ટીમ ગુજરાત આવી રહી છે. આ ટીમ ચાલું ચૂંટણીઓમાં ભાજપની સરકારોનો પ્રચાર કરશે અને મહત્તમ જેન-ઝી સહિતના યુવાઓને આકર્ષવા માટે સંપર્કો કરશે. આ માટે કમલમ્ પર કામ શરૂ કરવાને બદલે અમદાવાદ-ગાંધીનગર વચ્ચેના એક અજ્ઞાત સ્થળે વોરરૂમ બનાવવામાં આવ્યો છે. આ વોરરૂમમાં જ સ્ટ્રેટેજી ઘડાશે અને પક્ષનો પ્રચાર કરાશે.
ભાજપના નેતાના જણાવ્યા અનુસાર આ વોરરૂમ માટે પક્ષને પોતાની તિજોરીમાંથી એક રૂપિયાનો પણ ખર્ચ કરવાનો રહેશે નહીં. આ પાછળ લગભગ 15 દિવસમાં 5થી 10 કરોડ રૂપિયાનો ખર્ચ થશે પરંતુ તે એક જાણીતી ગુજરાતી કંપનીએ જ ઉપાડી લેવાનું નક્કી કર્યું છે. જો કે, કંપની પક્ષના સોશિયલ મીડિયા કન્ટેન્ટની બાબતમાં હસ્તક્ષેપ કરશે નહીં. આ માટે અંદરખાને ગુજરાત સરકારના કેટલાંક અધિકારીઓની મદદ પણ લેવાઇ રહી છે.
તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની ટીકા કરતો ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો વિડીયો ખૂબ વાઇરલ થયો તેને લઇને ભાજપ ભીંસમાં આવ્યું હતું. આ મુદ્દે વિશ્વકર્માના સલાહકારોને લઇને ગંભીર નોંધ લેવાઇ છે. વિશ્વકર્માનો વિડીયો કોઇએ જાણીને જ વહેતો કરી દીધો હોવાનું પણ ભાજપમાં ચર્ચાઇ રહ્યું છે. ખરેખર તેમના હિતેચ્છુઓએ તેમના વિડીયો સોશિયલ મીડિયા પર પ્રસારિત કરતા પૂર્વે તેની ચકાસણી કરી તેમાં જરૂરી સુધારા કરાવવા જોઇતા હતા. તેને બદલે વીડિયો વહેતો કરી દેવાયો.

