શહેરના વિવિધ વિસ્તારોમાં જેનો ખોફ હતો અને જેના પર ખંડણી, મારામારી તેમજ ખૂની હુમલા જેવા ગંભીર 27થી વધુ ગુનાઓ નોંધાયેલા છે, તેવો કુખ્યાત આરોપી ચિરાગ મેર આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. આરોપી ચિરાગ મેર સુરત પોલીસને થાપ આપીને ભાવનગર જિલ્લામાં છુપાયો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, તે ધરપકડથી બચવા માટે ભારત છોડી વિદેશ ભાગી જવાની પૂરજોશમાં તૈયારી કરી રહ્યો હતો. ભૂતકાળમાં ગુજસીટોક જેવા કડક કાયદા હેઠળ જેલની હવા ખાઈ આવેલા આ શખ્સે જામીન પર છૂટ્યા બાદ ફરીથી ગુનાખોરીનો માર્ગ અપનાવ્યો હતો. પરંતુ સુરત ઝોન-07ની એલ.સી.બી. ટીમે તેની યોજના પર પાણી ફેરવી દીધું છે.
સંયુક્ત ટીમનું ગુપ્ત ઓપરેશન સુરતના ડીસીપી ઝોન-07 હેઠળની એલ.સી.બી. ટીમ, પાલ પોલીસ અને ઈચ્છાપોર પોલીસની એક સંયુક્ત ટીમ બનાવવામાં આવી હતી. આરોપી ચિરાગ મેર ભાવનગર જિલ્લાના ખીજડીયા ગામની આજુબાજુ હોવાની ચોક્કસ બાતમી મળી હતી. પોલીસ ટીમે બે દિવસ સુધી ભાવનગરમાં ધામા નાખ્યા હતા. આરોપી સતત પોતાના લોકેશન બદલતો હોવાથી તેને ટ્રેસ કરવો મુશ્કેલ હતો, પરંતુ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે આખરે તેને ભાવનગરના પરવાળા ગામ તરફ જતા રોડ પરથી કોર્ડન કરી પકડી પાડવામાં આવ્યો હતો.
મોર્ફ ફોટા બતાવી 15 લાખની ખંડણી માંગી એસીપી શ્વેતા ડેનિયલના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે 2 જાન્યુઆરીએ ફરિયાદી વૈભવ અજીત કુમાર દેસાઈ સાથે એક ગંભીર ઘટના બની હતી. ચિરાગ મેર અને તેના સાથીદારો જોય સાટિયા અને વિકી કુડાલાએ ફરિયાદીને તેમના મોર્ફ કરેલા (એડિટ કરેલા) ફોટા અન્ય સ્ત્રીઓ સાથે બતાવી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી. આ ટોળકીએ ફરિયાદી પાસે 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને તે સમયે જ બળજબરીપૂર્વક 3 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે પાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસ એક્શનમાં આવી હતી.

