Gujarat

જામનગરમાં ચૂંટણી પહેલા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

જામનગરમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તે હેતુથી શહેરના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસને વ્યૂહાત્મક આયોજન કર્યું છે. આ અંતર્ગત શહેરના વોર્ડ નંબર 15 માં આવેલા શંકર ટેકરી અને રજા નગર સહિતના વિસ્તારોમાં પોલીસ કાફલાએ નિરીક્ષણ કર્યું હતું. આ વિસ્તારો ભૌગોલિક અને વસ્તીની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાય છે.

આ ફૂટ પેટ્રોલિંગમાં DYSP જયવીરસિંહ ઝાલા, સીટી-સી ડિવિઝન PI નિખિલ ડાભી અને LCB PI ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા હતા. તેમની સાથે LCB, સીટી-સી ડિવિઝન અને સ્થાનિક પોલીસ સ્ટાફના જવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

પોલીસ અધિકારીઓએ વિસ્તારના મુખ્ય માર્ગો અને સાંકડી ગલીઓમાં ફરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શાંતિ જાળવવી, આચારસંહિતાનું પાલન કરાવવું અને સામાન્ય જનતામાં સુરક્ષાની ભાવના પ્રબળ કરવાનો છે. પોલીસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ચૂંટણીમાં ખલેલ પહોંચાડનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.