Gujarat

ખેતરમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો:કુડાસણમાં ૧૨ જુગારી ઝડપાયા, ૫૮ હજારનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં મોડી રાત્રે ખેતરમાં ચાલતા જુગારધામ પર ઈન્ફોસિટી પોલીસ ત્રાટકી હતી. જ્યાંથી ૧૨ જુગારીને રોકડ તેમજ મોબાઇલ સહિત ૫૮ હજારથી વધુના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એ.શાહની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કુડાસણ ગામની સીમમાં કૌશિક પટેલના બોરવેલ સામે આવેલા ખુલ્લા ખેતરમાં કેટલાક લોકો આર્થિક ફાયદા માટે ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે.આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. જેમાં કેટલાક જુગારીઓ અંધારાનો લાભ ઉઠાવી પોલીસને હાથતાળી આપી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. જ્યારે ૧૨ શખસોને પોલીસે કોર્ડન કરી ઝડપી લીધા હતા.

જેમાં કુડાસણ ગામનો વનરાજ ઠાકોર (માલાપુરા વાસ), અંબાલાલ ઠાકોર (આંબલીવાળો વાસ), રણજીત ઠાકોર (આંબલીવાળો વાસ) ગણપતજી ઠાકોર (ખારાવાળો વાસ),ચમનજી ઠાકોર (બાજુટોળીવાસ),સનાજી ઠાકોર (બાજુટોળીવાસ),મહેશજી ઠાકોર (ટેકરાવાળો વાસ),રાજુજી ઠાકોર (ટેકરાવાળો વાસ), દશરથ પટેલ (આંબલીવાળો વાસ), તેજાજી ઠાકોર (આંબલીવાળો વાસ),મકાજી ઠાકોર (આંબલીવાળો વાસ) અને ચમનજી ઠાકોર (માલાપુરા વાસ) હોવાનું જણાવ્યું હતું.બાદમાં પોલીસે જુગારીઓની અંગ ઝડતીમાંથી રૂ.૨૩,૮૩૦ અને જુગારના દાવ પરથી રૂ.૧૧,૪૫૦ મળી કુલ રૂ ૩૫,૨૮૦ની રોકડ ઉપરાંત ૨૩,૦૦૦ની કિંમતના ૬ નંગ મોબાઈલ ફોન અને ગંજીપાના મળીને કુલ રૂ ૫૮ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.