રાજકોટ શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ હવે નાગરિકો માટે જીવનું જોખમ બની રહ્યો છે. સરકારની કડક સૂચના બાદ રાજકોટ મહાનગરપાલિકાએ ખાનગી એજન્સી મારફતે શહેરના તમામ વોર્ડમાં સરવે કરાવ્યો હતો, જેમાં શહેરમાં કુલ 25,816 રખડતા શ્વાન હોવાનો સત્તાવાર રિપોર્ટ આવ્યો છે.
જોકે આ ભયજનક આંકડા વચ્ચે મનપાના તંત્રએ વિચિત્ર અને આઘાતજનક વલણ અપનાવ્યું છે. હવેથી શહેરમાં જો કોઈ શ્વાન જોરજોરથી ભસીને લોકોની ઊંઘ હરામ કરતું હોય અથવા વાહનચાલકો પાછળ દોડીને અકસ્માત સર્જતું હોય, તો તેની ફરિયાદ મનપા દ્વારા લેવામાં આવશે નહીં.
તંત્રએ મૌખિક રીતે એવું નક્કી કર્યું છે કે, જો શ્વાન કોઈ નાગરિકને બચકું ભરે (ડોગ બાઈટ) તો જ તેની ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવશે.તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રખડતા શ્વાનના ત્રાસ અંગે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે, દરેક મનપા અને નગરપાલિકાએ શ્વાનનો સચોટ સરવે કરી નાગરિકોને રક્ષણ આપવાની જવાબદારી નિભાવવી પડશે. આ આદેશના પગલે રાજકોટ મનપાએ શહેરની 7 સરકારી હોસ્પિટલ સહિત કુલ 39 હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને મનપા સંચાલિત તમામ શાળાઓને પરિપત્ર પાઠવ્યો છે.

