રાજકોટનું આધુનિક ગણાતું એસ.ટી. બસપોર્ટ વધુ એક વખત સુવિધાઓના અભાવે વિવાદમાં આવ્યું છે. ગત શનિવારે સાંજે બસપોર્ટની લિફ્ટ અચાનક બંધ થઈ જતાં તેમાં 4 મુસાફરો ફસાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં મુસાફરો લિફ્ટની અંદર મદદ માટે કરગરતા જોવા મળી રહ્યા છે.
ઈમરજન્સી બટન પણ બંધ છે વાયરલ વીડિયોમાં લિફ્ટમાં ફસાયેલો એક જાગૃત યુવાન કહી રહ્યો છે કે, “અમે રાજકોટ બસ સ્ટેન્ડની લિફ્ટમાં ચોથા માળેથી નીચે ઉતરતા હતા ત્યારે અચાનક લિફ્ટ બંધ થઈ ગઈ છે. અમે ચાર લોકો અંદર ફસાયા છીએ. લિફ્ટનું ઈમરજન્સી બટન પણ કામ કરતું નથી.” લાંબા સમય સુધી લિફ્ટ ન ખુલતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. અંતે ઈમરજન્સી નંબર પર જાણ કરવામાં આવતા મેન્ટેનન્સ સ્ટાફે લિફ્ટ ચાલુ કરી મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
આ ઘટના બાદ હંમેશની જેમ સત્તાવાળાઓ એકબીજા પર જવાબદારી ઢોળતા જોવા મળ્યા હતા. રાજકોટ ડેપો મેનેજર ઘનશ્યામ ચગે જણાવ્યું હતું કે, જે લિફ્ટમાં આ બનાવ બન્યો છે તેનું સંચાલન એસ.ટી. વિભાગ હસ્તક નથી. આ બિલ્ડિંગ એસોસિએશનના મેનેજમેન્ટ હેઠળ આવે છે. સામે બસ સ્ટેશન બિલ્ડિંગ એસોસિએશનના પ્રમુખ કશ્યપ પંચોલીએ જણાવ્યું કે, લિફ્ટની ક્ષમતા કરતા વધુ સામાન લઈ જવામાં આવતો હોવાને કારણે આવી તાંત્રિક ખામી સર્જાઈ હતી. જોકે, 15 જ મિનિટમાં લોકોને બહાર કાઢી લેવાયા હતા.

