Gujarat

નાગમતી નદી પર દડિયા અને મોખાણાને જોડતો પુલ બન્યો ભયજનક

જામનગર શહેરના ભાગોળે રણજીતસાગર ડેમની નીચે આવેલી નાગમતી નદી ઉપર આવેલા દડીયા અને મોખાણા ગામને જોડતા પુલ બે વર્ષથી ખખડધજ બની ગયો છે. પુલ બન્યાના બીજા જ વર્ષે તુટી જતાં તંત્રએ મૌન ધારણ કરી લીધું છે. આ પુલનું મરામત પણ કરવામાં આવતું નથી. હાલ આ પુલ પરથી વાહન લઈને પસાર થવામાં લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે. રણજીતસાગર ડેમમાંથી પસાર થતી નાગમતી નદીમાં ચારેક વર્ષ પહેલા નવો પુલ બનાવવામાં આવ્યો છે.

જે પુલ દડીયા-મોખાણા ગામના લોકોને આવન-જાવન માટે ઉપયોગી છે, તો ત્યાં આવેલા આશ્રમમાં જતાં લોકો માટે આ પુલ બહુ ઉપયોગી છે. આ પુલ બન્યાના બીજા જ વર્ષે આવેલા ભારે વરસાદના કારણે રણજીતસાગર ડેમ છલકાયો હતો અને પુલ ઉપરથી પાણી પસાર થયું હતું. જેથી પુલના પાછળના ભાગે મોટું બાકોરૂં પાડી નાંખવામાં આવ્યું છે. ઉપર પુલ એમને-એમ છે, પરંતુ નીચે ખોખલું બની ગયું છે. જેથી અડધા પુલ પરથી વાહન ચલાવવું જોખમી બની ગયું છે.

આ અંગેની લોકોએ રજુઆત કરી છે, તો અધિકારીઓને પણ આ બાબતે જાણ છે, તેમ છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી. તો પુલ બન્યાના બીજા ચોમાસામાં પુલ તુટી જાય તો બનાવનારની કોઈ જવાબદારી ન બને..? તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે. હાલ આ પુલ ખખડધજ બની ગયો છે, તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી. કોન્ટ્રાકટરને બચાવવામાં આવી રહ્યો છે કે, પછી ખુદ અધિકારીઓએ કડકી મેળવી લીધી હોવાથી પોતાનો બચાવ કરી રહ્યા છે.