ભાવનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી છે. કુંભારવાડા વોર્ડ નંબર-2માં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ, સભા શરૂ થાય તે પહેલાં જ લાઈટિંગનું કામ કરી રહેલા એક સ્થાનિક યુવાનને વીજ કરંટ લાગતા તે થાંભલા પરથી નીચે પટકાયો હતો. આ ગંભીર દુર્ઘટનાને પગલે કોંગ્રેસે તાત્કાલિક અસરથી આજની જાહેર સભા રદ કરવાનો નિર્ણય લીધો છે.

લાઈટનો છેડો લગાવવા માટે તે વીજપોલ પર ચડ્યો મળતી માહિતી મુજબ ભાવનગરના કુંભારવાડા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલી સરકારી શાળા પાસે રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સભાની તૈયારીઓના ભાગરૂપે આરિફભાઈ નામનો સ્થાનિક યુવાન લાઈટિંગ ફિટિંગનું કામ કરી રહ્યો હતો. તે દરમિયાન લાઈટનો છેડો લગાવવા માટે તે વીજપોલ પર ચડ્યો ત્યારે અચાનક તેને જોરદાર વીજ કરંટ (ઈલેક્ટ્રિક શોક) લાગ્યો હતો. શોક લાગતાની સાથે જ તે થાંભલા પરથી સીધો નીચે પટકાયો હતો.

