Gujarat

જામનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે મતદાન મથકોનું માર્કિંગ શરૂ

જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. મતદાન પ્રક્રિયા સુચારુ રીતે સંપન્ન થાય તે માટે વિવિધ તૈયારીઓ તેજ કરવામાં આવી છે. શહેરમાં મતદાન મથકો ઊભા કરવાની પ્રક્રિયા સાથે, દરેક મતદાન મથકની આસપાસના 100 મીટર વિસ્તારનું મેપિંગ અને ગ્રાઉન્ડ માર્કિંગ શરૂ કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર શહેરના કુલ 16 વોર્ડને આવરી લેવા માટે ચાર અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમોને ચાર-ચાર વોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે. આ ટીમો દ્વારા મતદાન મથકથી 100મીટર સુધીના વિસ્તારમાં માપણી કરીને સફેદ રંગથી માર્કિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા ગઈકાલ રાત્રિથી શરૂ થઈ છે અને સતત ચાલુ છે. આ ઉપરાંત, મતદાન મથકોની આંતરિક સુવિધાઓ અને અન્ય આવશ્યક વ્યવસ્થાઓની તૈયારીઓ પણ સમાંતર રીતે કરવામાં આવી રહી છે. આનો ઉદ્દેશ્ય મતદાનના દિવસે કોઈપણ પ્રકારનો અવરોધ ન સર્જાય તે સુનિશ્ચિત કરવાનો છે.