સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં ભાજપે પોતાના સૌથી મજબૂત ગણાતા પાટીદાર વિસ્તારોમાં પકડ જાળવી રાખવા પૂરી તાકાત લગાવી દીધી છે. આગામી 48 કલાક સુરતના રાજકારણ માટે નિર્ણાયક માનવામાં આવી રહ્યા છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ભવ્ય બાઈક રેલી અને કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવીયા તથા પુરુષોત્તમ રૂપાલાની જંગી જાહેર સભાઓ દ્વારા ભાજપ શક્તિપ્રદર્શન કરશે.
કેન્દ્રીય નેતૃત્વનું મેદાનમાં આગમન તા. 22 એપ્રિલના રોજ કેન્દ્રીય મંત્રીઓની જોડી પાટીદાર બહુલ વિસ્તારોમાં સભાઓ ગજવશે. મનસુખ માંડવીયા રાત્રે 9 કલાકે મોટા વરાછાના શિવધારા ચોક ખાતે જંગી સભાને સંબોધશે. પુરુષોત્તમ રૂપાલા કતારગામ દરવાજા અને અશ્વિનીકુમારના ધરમ નગર રોડ પર સભાઓ દ્વારા ‘ટ્રિપલ એન્જિન’ સરકારના વિકાસના કાર્યો રજૂ કરશે.
23 એપ્રિલ મુખ્યમંત્રીની મેગા બાઈક રેલી ગુરુવારે સાંજે 5 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વરાછા વિસ્તારમાં જનતાની વચ્ચે સીધો સંવાદ કરવા મેગા બાઈક રેલીમાં જોડાશે. આ રેલી સીમાડા નાકાથી શરૂ થઈ નાના વરાછા, કલા કુંજ મંદિર, BAPS મંદિર, પીપી માણીયા હોસ્પિટલ અને કાપોદ્રા થઈ હીરાબાગ સર્કલ પર પૂર્ણ થશે. આ ભવ્ય રેલી દ્વારા ભાજપ વરાછાના હૃદય સમાન વિસ્તારોમાં યુવા મતદારોને આકર્ષવા અને સંગઠનની શક્તિ બતાવવા માંગે છે.

