Gujarat

સરકારી આવાસ અપાવવાની લાલચ આપી 9.70 લાખની ઠગાઈ

સુરતના ડિંડોલી અને લિંબાયત વિસ્તારમાં છેતરપિંડીના બે કિસ્સાઓ સામે આવ્યા છે. એક તરફ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર અપાવવાના બહાને 9.70 લાખની ઠગાઈ થઈ છે. તો બીજી તરફ ઘરના ધાબે સોલાર પેનલ લગાવવાના નામે એક મહિલા પાસેથી 2 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. આ બંને કિસ્સાઓમાં વિશ્વાસઘાત અને આર્થિક છેતરપિંડીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

PM આવાસના નામે 9.70 લાખની લૂંટ સુરતના લિંબાયત પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, ડિંડોલીમાં રહેતા મયુર પાટીલ નામના શખ્સે પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે મોટું કૌભાંડ આચર્યું છે. ગોડાદરા વિસ્તારમાં રહેતા હિરાદેવી પૌનીકર અને તેમના સંબંધીઓને વિશ્વાસમાં લઈને આરોપીએ પોતાની ઝેરોક્સની દુકાન પરથી ઠગાઈની જાળ બિછાવી હતી. તેણે દાવો કર્યો હતો કે તે સરકારી પ્રક્રિયા દ્વારા સસ્તા આવાસ અપાવી શકે છે. આ લાલચમાં આવીને ગરીબ મધ્યમ વર્ગીય પરિવારોએ પોતાની મહેનતની કમાણી આરોપીના હાથમાં સોંપી દીધી હતી.

ખોટી રસીદો આપી અનેક પરિવારોને વિશ્વાસમાં લીધા આરોપી મયુર પાટીલની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ ચાલાકીભરી હતી. તેણે ફરિયાદી હિરાદેવી પાસેથી 1.60 લાખ, તેમના ભાઈ જયરામ પાસેથી 4.80 લાખ અને અન્ય સંબંધીઓ પાસેથી મળી કુલ 9.70 લાખ રૂપિયા વસૂલ્યા હતાં. આ રકમ લીધા બાદ લોકોને શંકા ન જાય તે માટે તેણે ખોટી રસીદો પણ પધરાવી દીધી હતી. જ્યારે પણ લોકો મકાન વિશે પૂછતા ત્યારે તે ‘પ્રક્રિયા ચાલુ છે’ તેમ કહીને સમય પસાર કરતો હતો. અંતે, કોઈ પરિણામ ન મળતા ભોગ બનનાર પરિવારોને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.

સોલાર પેનલ લગાવવાના નામે મહિલા સાથે 2 લાખની છેતરપિંડી બીજી ઘટના ડિંડોલીની સાઈ દર્શન સોસાયટીમાં બની છે. અહીં રહેતા રેખાબેન નાગર નામના મહિલાએ ગણેશ મલ્લેયા ગુડલા નામના શખ્સ સામે રૂ. 2 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સપ્ટેમ્બર 2025થી આ પ્રક્રિયા શરૂ થઈ હતી, જેમાં આરોપીએ મહિલાના ઘરે સોલાર પેનલ ફીટ કરી આપવાનો વાયદો કર્યો હતો. આજકાલ સોલાર પેનલની માગ વધતા ઠગબાજોએ હવે આ ક્ષેત્રને પણ પોતાનું નિશાન બનાવ્યું હોવાનું આ કિસ્સા પરથી સાબિત થાય છે.