Gujarat

વોર્ડ 1 માં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ભાજપમાં જોડાયા, 500 સમર્થકો પણ જોડાયા

જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર 1 માં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પૂર્વ કોર્પોરેટર નૂર મહંમદ પલેજા આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. તેઓ લાંબા સમયથી પક્ષ સામે નારાજગી ધરાવતા હતા અને ટિકિટ ન મળતા તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. જામનગર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ નૂર મહંમદ પલેજાને ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. તેમની સાથે જેન્તીભાઇ પ્રજાપતિ અને યાકુબ અબ્બાસ ગાદ પણ ભાજપમાં જોડાયા હતા.

માત્ર આ દિગ્ગજ નેતાઓ જ નહીં, પણ તેમની સાથે અંદાજે 500 જેટલા સમર્થકોએ પણ કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો ભગવો ધારણ કર્યો છે. મળતી માહિતી મુજબ, આગામી ચૂંટણીમાં ટિકિટની ફાળવણીને લઈને કોંગ્રેસમાં આંતરિક અસંતોષ હતો. પૂર્વ નગરસેવક નૂર મહંમદ પલેજાએ ટિકિટ ન મળતા થોડા દિવસ પહેલા જ પક્ષને અલવિદા કહી દીધું હતું. તેમના ભાજપમાં જોડાવાથી કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી વધુ સ્પષ્ટ બની છે.