જામનગરના પંચવટી સોસાયટી વિસ્તારમાં આવેલા જાસોલિયા એપાર્ટમેન્ટના બીજા માળે આજે વહેલી સવારે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ફ્લેટમાં એકલા રહેતા 55 વર્ષીય પ્રૌઢ ગોવર્ધનભાઈનું દાઝી જવાથી મૃત્યુ થયું હતું.
આગની જાણ થતાં જ જામનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હોવાથી તેને તોડીને ફાયરકર્મીઓ અંદર પ્રવેશ્યા હતા. બે ફાયર ટેન્ડરની મદદથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી.
આગના કારણે ફ્લેટમાં રહેલા કપડાં અને પ્લાસ્ટિકનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જોકે, ફાયર બ્રિગેડની સમયસર અને ઝડપી કાર્યવાહીને કારણે આગ અન્ય ફ્લેટમાં ફેલાતી અટકી હતી, જેનાથી આસપાસના રહેવાસીઓએ રાહત અનુભવી હતી.
આગ ઓલવાયા બાદ ફ્લેટની અંદર તપાસ કરતા ગોવર્ધનભાઈનો દાઝેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, તેઓ આગ લાગ્યા બાદ બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હશે, પરંતુ સફળ થઈ શક્યા ન હતા. ફાયર બ્રિગેડે મૃતદેહનો કબજો લઈ સિટી બી. ડિવિઝન પોલીસને સુપ્રત કર્યો હતો, જેમણે મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડ્યો હતો.

