Gujarat

મોરબીમાં ભૂલા પડેલા વૃદ્ધાની વહારે અભયમ ટીમ આવી, પરિવાર સાથે કરાવ્યું મિલન

મોરબી શહેરમાં ભૂલા પડેલા એક અશક્ત વૃદ્ધાને 181 અભયમ ટીમે ગણતરીના કલાકોમાં શોધી કાઢી પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું. વૃદ્ધાવસ્થાના કારણે યાદશક્તિ ઓછી હોવાથી આ વૃદ્ધા સવારથી કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા અને રસ્તો ભટકી જતાં મુશ્કેલીમાં મુકાયા હતા. એક જાગૃત નાગરિકે આ વયોવૃદ્ધ મહિલાને ગુમસુમ હાલતમાં જોતા તાત્કાલિક અભયમ હેલ્પલાઇન પર જાણ કરી હતી. કાઉન્સેલર સેજલબેન પટેલ, કોન્સ્ટેબલ ખ્યાતીબેન અને પાયલોટ દેવકરણભાઈની ટીમે સ્થળ પર પહોંચી વૃદ્ધાનું કાઉન્સિલિંગ કર્યું હતું.

સતત પ્રયાસો બાદ ટીમે પરિવારનો સંપર્ક કરી વૃદ્ધ મહિલાને સુરક્ષિત સોંપ્યા હતા. પરિવારે જણાવ્યું હતું કે તેઓ સવારથી જ તેમની શોધખોળ કરી રહ્યા હતા. શહેરમાં એક અજાણ્યા વયોવૃદ્ધ મહિલા ઘણા સમયથી એકલા આંટાફેરા કરતા હતા અને પોતાનું ઘર ભૂલી ગયા હોય તેવી સ્થિતિમાં હતા. જાગૃત નાગરિકની જાણ બાદ અભયમ ટીમે સ્થળ પર પહોંચી સંવેદનશીલતા પૂર્વક પૂછપરછ હાથ ધરી હતી. વધુ ઉંમરના કારણે વૃદ્ધા સ્પષ્ટ માહિતી આપી શકતા ન હોવા છતાં ટીમે ધીરજપૂર્વક વાલીવારસને શોધી કાઢ્યા હતા.