Gujarat

ઉદ્યોગપતિના ફોટાનો AIના ડીપફેકથી વીડીઓ બનાવ્યો

અમદાવાદના વેપારીના આધાર કાર્ડ સાથે ચેડાં કરી, આધારની વેબસાઇટ પર વેપારીના એઆઇ જનરેટેડ ડીપફેક વિડિયોની મદદથી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરીને ઓટીપી વગર જ મોબાઇલ નંબર બદલી છેતરપિંડી કરતી ગેંગના ચાર સાગરીતોને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા છે.આ ગેંગ દ્વારા વેપારીના આધાર કાર્ડની મદદથી જુદી જુદી બેંકમાં ખાતું ખોલાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.

આધાર સાથેનો લિંક મોબાઈલ નંબર બદલી નાખતા થલતેજમાં રહેતા વેપારી ફૂડનો ધંધો કરે છે.તેમનો માલ વિદેશ જતો હોવાથી પોર્ટ પર ચોક્કસ સર્ટિફિકેટ મેળવવા માટે અમિત પટેલનો આધાર નંબર સબમિટ કરતાં તેમને મોબાઇલ પર ઓટીપી આવ્યો નહોતો.સિવિક સેન્ટર અને આધારની વેબસાઇટ પર તપાસ કરતાં તેમના આધાર કાર્ડ સાથે લિંક મોબાઇલ નંબર કોઈએ બદલી દીધો હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે સાયબર ક્રાઇમ બ્રાંચે તપાસ કરતાં આ કાંડ કરનાર ટુકડીના ચાર સાગરીતોને ઝડપી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પકડાયેલા આરોપીઓ

કનુ પરમાર (રહે.બોરસદ, આણંદ) આશિષ વાળંદ (રહે. વડોદરા, મૂળ ભરૂચ) મહંમદ કૈફ પટેલ (રહે. ભરૂચ) દીપ મહેશભાઈ ગુપ્તા (ઓઢવ, મૂળ ઝાંસી)