Gujarat

રાજકોટ-ભાવનગર હાઇવે પર અકસ્માત, મીની ટેમ્પો પલ્ટી મારી જતા આધેડનું મોત

રાજકોટ ભાવનગર હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં કાળીપાટ ગામ નજીક રાજ ખોડલ હોટલ પાસે યુટર્ન લઇ રહેલી ફોર વ્હીલરને બચાવવા જતા ટાટા કંપનીનું મીની આઇસર જેવું માલવાહક વાહન પલ્ટી મારી જતા ભીમાભાઇ અમરશીભાઈ મકવાણા નામના આધેડનું મોત નીપજ્યું છે જયારે વાહનમાં સવાર 11 લોકોને ઇજા પહોંચતા 10 લોકોને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જયારે ચાલકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગેની જાણ થતા આજીડેમ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવા જરૂરી કાગળ કાર્યવાહી હાથ ધરી છે.

સુરત રહેતા ચોવસીયા પરિવારના માતા-પિતા અને ચાર સંતાનો ઈજાગ્રસ્ત મૂળ જસદણ તાલુકાના રહેવાસી અને હાલ સુરત રહેતા ચોવસીયા પરિવારના માતા-પિતા અને તેના ચાર સંતાનો સહીત એક જ પરિવારના કુલ 6 લોકો ઈજાગ્રસ્ત થતા સુરત પહોંચે તે પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામા આવ્યા છે.

એક મોટર કારને બચાવવા જતા દૂધના કેન અને 7 મુસાફર સહીત 12 લોકો સાથે સવાર મીની આઇસર જેવું જીજે.03.બીવાય.5551 નંબરનું માલ વાહક વાહન પલ્ટી મારી જતા ટેમ્પોમાં સવાર એક આધેડનું મોત નીપજ્યું છે. જસદણ તાલુકાના વડાળી ગામના રહેવાસી વાહન ચાલક માંડલભાઈ ગુંજાભાઈ માંડને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.