ગુજરાત હાઇકોર્ટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને અન્ય સત્તાધિકારીઓને વિવિધ ઇમારતોનો એરોનોટિકલ સર્વે કરવાનો નિર્દેશ આપ્યો છે. આ આદેશ 6 ડેવલપર્સ દ્વારા કરવામાં આવેલી માગના જવાબમાં આપવામાં આવ્યો છે. જેમને સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક નિર્ધારિત ઊંચાઈ કરતા વધુ બાંધકામ કરવા બદલ અને વિમાનોની અવરજવર માટે જોખમ ઊભું કરવા બદલ ડિમોલિશનની નોટિસ આપવામાં આવી હતી.
NOC મેળવ્યા બાદ મહત્તમ 102.7 મીટરની ઊંચાઈ ધરાવતા ટાવર્સ બનાવ્યા અરજીમાં જણાવ્યા મુજબ માહિલ ઇન્ફ્રા, અબજીબાપા ઇન્ફ્રા, પ્રેયસ ઇન્ફ્રા, બાલાજી ડેવલપર્સ, કલશ ઇન્ફ્રા અને પાર્થ ડેવલપર્સ દ્વારા હંસપુરા, નરોડા, નાના ચિલોડા અને આસપાસના વિસ્તારોમાં અનુમતિ મેળવ્યા બાદ બાંધકામ કરાયુ છે. જે મુજબ આ ડેવલપર્સે તમામ સત્તાધિકારીઓ પાસેથી NOC મેળવ્યા બાદ મહત્તમ 102.7 મીટરની ઊંચાઈ ધરાવતા બહુમાળી ટાવર્સ બનાવ્યા છે. જો કે સત્તાધિકારીઓનો આગ્રહ હતો કે નિયત મર્યાદા કરતા વધારાનું બાંધકામ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું છે, જેથી તેને દૂર કરવું જોઈએ.
બિલ્ડરોએ ડિમોલિશનની નોટિસને પડકારી હતી વર્ષ 2024માં દાખલ કરવામાં આવેલી આ અરજીઓમાં બિલ્ડરોએ ડિમોલિશનની નોટિસને પડકારી હતી અને એરોનોટિકલ સ્ટડીની માગ કરી હતી. તેમનો દાવો છે કે તેમનું બાંધકામ મ્યુનિસિપલ ડેવલપમેન્ટની પરવાનગી મુજબ જ છે. ઊંચાઈમાં જે તફાવત દેખાય છે તે જમીનની એલિવેશનમાં નોંધાયેલા તફાવતને કારણે છે, કોઈ અનધિકૃત કે વધારાના બાંધકામને કારણે નહીં. તેઓએ સિવિલ એવિએશન મંત્રાલયના વર્ષ 2015ના નિયમો હેઠળ એરોનોટિકલ સ્ટડી કરાવવાની માગ કરી હતી.
બિલ્ડરોએ મૂળ NOCનો ભંગ કર્યો: એરપોર્ટ ઓથોરિટી એરપોર્ટ ઓથોરિટીએ આ અરજીઓનો વિરોધ કરતા જણાવ્યું હતું કે બિલ્ડરોએ મૂળ NOCનો ભંગ કર્યો છે. નિયમો મુજબ જ્યાં સુધી બાંધકામને મૂળ પરવાનગી મુજબ લાવવામાં ન આવે, એટલે કે વધારાનો ભાગ તોડી પાડવામાં ન આવે ત્યાં સુધી સુધારેલી ક્લિયરન્સ કે એરોનોટિકલ સ્ટડી પર વિચાર કરી શકાય નહીં.

