જામનગર શહેરના રણજીતસાગર ડેમ નજીક આવેલા ફોરેસ્ટ રિસોર્ટમાં આજે અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. લગ્ન પ્રસંગની સીઝન ચાલતી હોવાથી રિસોર્ટમાં મહેમાનોની મોટી હાજરી હતી, જે દરમિયાન આગ લાગતા લોકોમાં ભારે નાસભાગ અને દોડધામ મચી ગઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, આગ સૌપ્રથમ ફોરેસ્ટ રિસોર્ટના રેસ્ટોરન્ટ વિભાગમાં લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખું રેસ્ટોરન્ટ બળીને ખાખ થઈ ગયું હતું. તેની બરાબર સામે જ ઉભો કરવામાં આવેલો લગ્ન પ્રસંગનો મંડપ અને ડોમ પણ આગની લપેટમાં આવી ગયા હતા અને સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જ્યારે આ ઘટના બની ત્યારે નજીકમાં જ લગ્નનો પ્રસંગ અને જમણવારની પ્રક્રિયા ચાલી રહી હતી.
આકસ્મિક આગની આ ઘટનાની જાણ થતાં જ જામનગર ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે 2 ફાયર ફાઈટર દ્વારા સતત પાણીનો મારો ચલાવીને મહામુસીબતે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો, જેના કારણે આગ વધુ ફેલાતી અટકી હતી.

આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાણવા મળ્યું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. સદભાગ્યે, આ ગંભીર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ફોરેસ્ટ રિસોર્ટની મિલકતને મોટાપાયે આર્થિક નુકસાન થયું છે.

