જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા વ્રજમંગલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ઇલેક્ટ્રિક મીટર બોક્સમાં આગ લાગી હતી. આ ઘટના શેરી નંબર 12 માં બની હતી, જેના કારણે એપાર્ટમેન્ટના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર, એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ટાંગેલા વીજ મીટરોમાં શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણોસર અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા.
આગ એપાર્ટમેન્ટના નીચેના ભાગમાં લાગી હોવાથી ઉપરના માળે રહેતા પરિવારોમાં ગભરાટ ફેલાયો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે તાત્કાલિક નીચે દોડી આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ જામનગર ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ સતર્કતાપૂર્વક પાણીનો મારો ચલાવી ટૂંક સમયમાં જ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો.
સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ મીટર બોક્સ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ જતાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ઉનાળાની શરૂઆતમાં ઇલેક્ટ્રિક લોડ વધવાને કારણે આવા બનાવો બનતા હોય છે, ત્યારે વીજ તંત્ર અને રહીશોએ વાયરિંગ બાબતે વિશેષ તકેદારી રાખવી જરૂરી છે.

