રાજકોટની માસ્તર સોસાયટીમાં આવેલી કસ્તુરબા વિદ્યાલયમાં તાજેતરમાં લેવાયેલી શિક્ષક અભિરૂચિ કસોટી (TAT) દરમિયાન ગેરરીતિનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમરેલીના શેડુભાર ગામની વંદનાબેન સોલંકી નામની મહિલા ઉમેદવાર પોતાની કુર્તીમાં મોબાઈલ છુપાવીને પરીક્ષા ખંડમાં પ્રવેશવામાં સફળ રહી હતી. જોકે, પરીક્ષા દરમિયાન અચાનક મોબાઈલમાં મેસેજ આવતા તેનો અવાજ સંભળાયો હતો, જેના કારણે સુપરવાઈઝરને શંકા ગઈ હતી.
ચાલુ પરીક્ષાએ મોબાઈલમાં મેસેજની રીંગ વાગી આ પરીક્ષાના યુનિટમાં 08 બ્લોકમાં 145 ઉમેદવાર ફાળવવામાં આવ્યા હતાં. જેમાં પરીક્ષામાં કુલ 129 ઉમેદવાર પરીક્ષા આપવા માટે હાજર રહ્યા હતાં. સુપરવાઇઝર કિશોરભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, પરીક્ષા ચાલુ હતી ત્યારે અંદાજીત 3.45 વાગ્યે બ્લોક નં.6માં બેઠક ક્રમાંક નં.107002388ના ઉમેદવાર વંદનાબેન પાસે ચાલુ પરિક્ષાએ ફોનમાં મેસેજનો અવાજ આવ્યો છે.
જેથી તે ઉમેદવારને ચેક કરતા પ્લાઝા/કુર્તીના ખીસ્સામાંથી કાળા કલરનો મોબાઈલ મળી આવ્યો હતો અને તે મોબાઇલ ઉમેદવાર પાસેથી લઇ અને ઝોનલ અધિકારીને જાણ કરી તેમના કહેવા મુજબ ગેરરીતી અંગેની જરૂરી કાર્યવાહી કરી હતી.
તપાસ સમયે મોબાઈલ મળી આવ્યો તપાસ દરમિયાન ઉમેદવાર પાસેથી કાળા રંગનો મોબાઈલ મળી આવતા તાત્કાલિક ઝોનલ અધિકારીને જાણ કરવામાં આવી હતી. આ મામલે કસ્તુરબા વિદ્યાલયના પ્રિન્સિપાલ જાનકીબેન હર્ષદરાય જોષીએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

