Gujarat

વડોદરામાં IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા 7 ઝડપાયા

વડોદરા શહેરમાં IPL ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા સાત શખ્સોને એલ.સી.બી. ઝોન-3 દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે અને 7 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 4.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ગોડાઉનમાં સટ્ટો રમાડતાં હતા એલ.સી.બી. ઝોન-3ની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ટીમને બાતમી મળી હતી કે, આનંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉન નંબર-33માં કમલેશ વિનોદભાઈ પરમાર દ્વારા બહારના લોકોને બોલાવી ટીવી પર IPLની ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ જોઈ મોબાઈલ એપ્લિકેશન/વેબસાઈટ મારફતે સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે.

7 શખ્સો ઝડપાયા, એક આરોપી વોન્ટેડ આ બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં સ્થળ પરથી કુલ 7 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તમામ આરોપીઓ સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં જુગાર અધિનિયમની કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પકડાયેલા આરોપીઓમાં કમલેશ વિનોદભાઈ પરમાર (આજવા રોડ), પિયુષ કનુભાઈ પંચાલ (દંતેશ્વર), નાનુ રાજુભાઈ ચુનારા (બરાનપુરા), સુમિત હરેશભાઈ સબાગવાની (વારસીયા), ગિતેશ ઉર્ફે રોકી દરીયાભાઈ ચોથવાણી (વારસીયા), પુર્વેશ પ્રકાશભાઈ પટેલ (નવાપુરા) અને પ્રિયાંક કનુભાઈ પટેલ (નવાપુરા)નો સમાવેશ થાય છે. આ કેસમાં ચેતન કહાર ઉર્ફે ભાંજુ નામનો આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.