Gujarat

પ્રધાનમંત્રી મોદી 11 મેના રોજ સોમનાથ પધારશે

સોમનાથ મંદિરની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે 8 થી 12 મે દરમિયાન પાંચ દિવસીય વૈદિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી અને સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી 11 મેના રોજ સોમનાથની મુલાકાત લેશે. આ કાર્યક્રમો અંતર્ગત 8 થી 11 મે દરમિયાન 125થી વધુ સોમપુરા તીર્થ પુરોહિતો દ્વારા યજ્ઞશાળામાં પાઠાત્મક અતિરુદ્ર યજ્ઞ યોજાશે. 9 થી 11 મે દરમિયાન મંદિર પરિસરમાં હોમાત્મક મહારુદ્ર યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

11 મેના રોજ મહારુદ્ર યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઉપસ્થિત રહેશે. આ દિવસે વિવિધ પવિત્ર નદીઓના જળ સાથે કુંભાભિષેક વિધિ યોજાશે. પ્રધાનમંત્રીના હસ્તે સોમનાથ મંદિરના શિખર પર જળાભિષેક કરવામાં આવે તેવી સંભાવના છે.

આ વર્ષે સોમનાથના ઇતિહાસમાં દ્વિગુણ મહત્વ છે. મહમૂદ ગઝનવીના આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થતાં ‘સ્વાભિમાન પર્વ’ તરીકે વર્ષભર ઉજવણી ચાલી રહી છે. આ સાથે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 75 વર્ષ પૂર્ણ થવાને કારણે આ ઉજવણીને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે.

પ્રધાનમંત્રીની મુલાકાતને લઈને રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વીડિયો કોન્ફરન્સ દ્વારા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકો યોજી રહ્યા છે.