Gujarat

મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની 3 દિવસીય બેઠક

આજે 6 મેથી 8 મે સુધી મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મહત્વપૂર્ણ ત્રણ દિવસીય બેઠક યોજાવાની છે. સવારે 10:30 વાગ્યાથી શરૂ થનારી આ બેઠકને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સત્તા મજબૂત બનાવવા માટે આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

393 સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ માટે પદાધિકારીઓની પસંદગી માહિતી મુજબ, આ બેઠકમાં ગુજરાતની કુલ 393 સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ માટે પદાધિકારીઓની પસંદગી અંગે ચર્ચા થશે. જેમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે. ખાસ કરીને મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના અગત્યના હોદ્દાઓ માટે નામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, પાર્ટી દ્વારા આ વખતે સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી અનુભવી નેતાઓ સાથે યુવા અને નવી પેઢીને પણ મહત્વ આપવામાં આવશે. સામાજિક અને પ્રાદેશિક સંતુલન જળવાઈ રહે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સાથે જ કાર્યકર્તાઓમાં સંતુલન અને સમાધાન જળવાઈ રહે તે માટે પણ ટોચના નેતાઓ દ્વારા ચર્ચા કરવામાં આવશે.

પાર્લામેન્ટરી બોર્ડમાં આ પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપશે બેઠક દરમિયાન દરેક જિલ્લા અને શહેર માટે અલગ-અલગ નામોની યાદી પર વિસ્તૃત ચર્ચા થશે અને ત્યારબાદ અંતિમ પસંદગી પર મંજૂરી આપવામાં આવશે. મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપના અગ્રણીઓ તેમજ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો હાજર રહી આ પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપશે.