વૃંદાવનથી પ્રારંભ થયેલું દેશવ્યાપી ‘ગૌ સમ્માન આહવાન અભિયાન’ હવે રાજકોટ સુધી પહોંચ્યું છે. ભારતમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાય, ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો મળે અને કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલયની સ્થાપના થાય તેવી પ્રબળ માંગ સાથે આજે રાજકોટમાં જનચેતનાનો જુવાળ જોવા મળ્યો હતો. આ અભિયાન અંતર્ગત શહેરના 60,000 નાગરિકોની સહી ધરાવતું આવેદનપત્ર પૂર્વ વિસ્તારના મામલતદાર મારફત દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને રાજ્યના મુખ્યમંત્રીને મોકલવામાં આવ્યું છે.
‘ગૌસેવા માટેનો સંકલ્પ જાગૃત કરવા આવ્યા છીએ’ આ માંગણીઓને વેગ આપવા માટે આજે શહેરના બહુમાળી ભવન ચોકથી જૂની કલેક્ટર કચેરી સુધી એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ પ્રસંગે સ્વામી પરમાત્માનંદ સરસ્વતી અને સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના સંતો-મહંતો તેમજ મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ રેલીમાં એક નાનકડા ગૌસેવક શૌર્ય કાક્રેચાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે અત્યંત ગંભીર વાત કરતા જણાવ્યું કે, જો રસ્તા પર ગૌમાતા ભૂખી હોય અને આપણે મોં ફેરવી લઈએ, તો કોઈ કાયદો તેને બચાવી શકશે નહીં. ગૌશાળાઓ જ્યારે સંઘર્ષ કરતી હોય ત્યારે આપણું મૌન કોઈપણ અભિયાનને નિષ્ફળ બનાવી શકે છે. આજે આપણે માત્ર આવેદન આપવા નહીં, પણ ગૌસેવા માટેનો સંકલ્પ જાગૃત કરવા આવ્યા છીએ.

