વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા તળાવોની સંગ્રહ ક્ષમતા વધારવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. શહેરના આજવા સરોવર તેમજ પ્રતાપપુરા સરોવરને ઊંડા કરવા માટે કોન્ટ્રાક્ટરો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. વિશ્વામિત્રી નદીમાં આજવા તેમજ પ્રતાપપુરા સરોવરથી પાણી આવે છે ત્યારે તળાવ ઊંડા થવાના કારણે નદીમાં પણ પાણી ઓછું આવશે.
તળાવ ઊંડા થવાથી વિશ્વામિત્રીમાં પણ પાણીની આવક ઘટશે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં બે વર્ષ પહેલા આવેલા પુરે ભારે વિનાશ સર્જ્યો હતો. ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ વિશ્વામિત્રી પ્રોજકેટ હાથ ધરવામાં આવ્યો હતો. ગતવર્ષે ચોમાસા પહેલા આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે.
ત્યારે હવે ચોમાસા પહેલા પુનઃ એકવાર આ પ્રોજેક્ટનું કામ શરુ થવાની શક્યતા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા તેમજ પ્રતાપપુરા સરોવરને ઊંડા કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. આ માટે કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટરો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.
સંગ્રહ વધતા પીવાના પાણીમાં પણ રાહત થશે વડોદરા શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે તેમજ આગામી ચોમાસાની ઋતુમાં પાણીની સંગ્રહ ક્ષમતામાં મોટો વધારો કરવાના હેતુથી પાલિકા તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરાના ઉપરવાસમાં આવેલા ઐતિહાસિક આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરને ઊંડા કરવાની મંજૂરી આપવામાં આવી છે.
ચોમાસું શરૂ થાય તે પહેલાં આ બંને જળાશયોમાંથી મોટા પાયે માટી ખોદીને કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી કરીને આગામી ચોમાસામાં વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરી શકાય અને વડોદરાના નાગરિકોને પીવાના પાણીની મુશ્કેલીમાંથી આંશિક રાહત અપાવી શકાય.

