ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં દારૂ તથા જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડે કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં રૂ. 6.41 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે અન્ય ત્રણ ફરાર છે.
તા. 9 મે 2026ના રોજ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે પીપરલા ગામ નજીક પકવાન હોટલ સામે એક સફેદ કલરની બ્રેઝા કારમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલો છે.
આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, GJ-04-EA-6681 નંબરની બ્રેઝા કારમાંથી ‘ફોર સેલ ઇન દમણ’ લખેલી ઇમ્પીરીયલ બ્લુ હેડ પીકેડ ગ્રેઇન વ્હિસ્કીની કુલ 78 બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય ત્રણ આરોપીઓ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં માલવણ ગામના હરપાલસિંહ મહીપતસિંહ ગોહીલ, શિહોરના હીરેન ઉર્ફે કડી યોગેશભાઈ મંગીયા અને ગુંદાળા ગામના હર્ષદભાઈ શામજીભાઈ સરવૈયાનો સમાવેશ થાય છે. ફરાર થયેલા આરોપીઓમાં અર્જુનભાઈ કુશવાહા, અભિમન્નુ ઉર્ફે અભિષેક અને સહદેવસિંહ મહીપતસિંહ ગોહીલનો સમાવેશ થાય છે.

