શહેરના ભગા તળાવ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાડતા એક શખ્સને લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. આ મામલે અન્ય બે શખ્સોના નામ પણ ખૂલતા પોલીસે કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે રેડ કરી શખસને દબોચ્યો LCB ની ટીમ જ્યારે શહેરમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ માહિતી મળી હતી કે ભગા તળાવ પાસે આવેલી વોરાશેરીમાં એક શખ્સ મોબાઈલ દ્વારા વરલી-મટકાના આંકડા લખી પૈસાની હાર-જીતનો જુગાર રમાડે છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને એક શખ્સને રંગેહાથ ઝડપી લીધો હતો.

પોલીસે સ્થળ પરથી રાજેશ ભડીયાદ્રા (ઉં.વ. 45, રહે. વોરાશેરી, ભગા તળાવ)ને અટકમાં લીધો હતો. તેની પૂછપરછ દરમિયાન અન્ય બે સાગરીતોના નામ પણ સામે આવ્યા છે: રવજી દવે (રહે. સુભાષનગર) અને મનસુખ રસોયો (રહે. ઘોઘા). રાજેશ આ બંને વ્યક્તિઓ પાસે વરલી-મટકાના આંકડાની કપાત કરાવતો હોવાની કબૂલાત કરી હતી.
ત્રણ આરોપી સામે ગુનો નોંધાયો પોલીસે આરોપી પાસેથી રોકડ 47,750 (જુગારના વકરાના), બે મોબાઈલ ફોન સહિત કુલ 57,750 રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સમગ્ર મામલે ગંગાજળિયા પોલીસ મથકમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ 12 (અ) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે અન્ય બે શખસોને પકડવા માટે વધુ તપાસ શરૂ કરી છે.

