Gujarat

સિધ્ધપુરના નાગવાસણ ગામે 45,000ના દાગીનાની ચોરી

સિધ્ધપુર તાલુકાના નાગવાસણ ગામે એક મજૂર પરિવારના ભાડાના મકાનમાં ચોરી થઈ છે. અજાણ્યા તસ્કરોએ ઘરની જાળી તોડી પ્રવેશ કરી 45,000 રૂપિયાની કિંમતના સોનાની વિંટી અને ચાંદીના શેરાની ચોરી કરી હતી. આ મામલે સિધ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. ચોરીની આ ઘટના નાગવાસણ ગામે બની હતી. ગામમાં રહેતા જસવંતભાઇ હરીભાઇ બારોટે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જસવંતભાઇ પોતાનું વડીલોપાર્જિત મકાન નવું બનાવતા હોવાથી હાલમાં ગામમાં જ વિનુભાઈ પુજાભાઈ પરમારના મકાનમાં ભાડેથી રહે છે.

ગત 10 મે, 2026 ના રોજ રાત્રે જસવંતભાઇ પોતાની પત્ની સાથે વાળુ કરી નવા બનતા મકાન પાસે સૂઈ ગયા હતા. બીજા દિવસે સવારે 05:00 વાગ્યે તેઓ ભાડાના મકાન તરફ પરત ફર્યા ત્યારે ઘરના પાછળના ભાગે સિમેન્ટની જાળી તુટેલી જોવા મળી હતી. ઘરમાં તપાસ કરતા લોખંડની પેટીનો નકુચો તૂટેલો જણાયો. પેટીની અંદરથી 4 ગ્રામ વજનની સોનાની વિંટી, જેની કિંમત આશરે 25,000 રૂપિયા છે, અને 100 ગ્રામ વજનની ચાંદીની પગની જોડી (શેરા), જેની કિંમત 20,000 રૂપિયા છે, મળી કુલ 45,000 રૂપિયાનો મુદ્દામાલ ગાયબ હતો. આ ચોરી 10 મે, 2026 ની રાત્રીથી 11 મે, 2026 ની સવાર દરમિયાન થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.