ભાવનગરના શિવનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં મિત્રના ઘરે ધાર્મિક પ્રસંગની આમંત્રણ પત્રિકા આપવા ગયેલા ટેમ્પો ચાલક યુવક અને તેના મિત્ર પર પાડોશીઓએ તલવાર, છરી અને ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને વધુ સારવાર માટે તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે ગંગાજળિયા પોલીસે ચાર હુમલાખોરો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પાડોશીઓના ઝઘડામાં વચ્ચે પડતા મામલો બિચક્યો બનાવની વિગત એવી છે કે, ગજ્જરના ચોક વિસ્તારમાં રહેતા અને ટેમ્પો ડ્રાઈવિંગ કરતા 28 વર્ષીય પ્રકાશ ઉર્ફે બોબડો રાઠોડ ગઈકાલે રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ શિવનગર બાયલીનો ખાર વિસ્તારમાં રહેતા તેમના મિત્ર કૌશિક જીવરાજભાઈ ચુડાસમાના ઘરે ગયા હતા. તેઓ ત્યાં આગામી ‘ડાક ડમરુ મહોત્સવ’ની આમંત્રણ પત્રિકા આપવા માટે એકઠા થયા હતા.
આ દરમિયાન કૌશિકના ઘરની બહાર રહેતા અમિત ઉર્ફે દાંતાળો ગોહેલ, તેની પત્ની દુર્ગા, તેનો સાળો ટોટો, વિક્કી અને બહેન શીતલ અંદરોઅંદર બિભત્સ ગાળો બોલી ઝઘડો કરી રહ્યા હતા. આ ઝઘડો શાંત પાડવા માટે પ્રકાશ, કૌશિક અને કૌશિકના પત્ની સંગીતાબેન વચ્ચે પડ્યા હતા. પાડોશીઓને સમજાવવાનો પ્રયાસ કરતા જ ઉશ્કેરાયેલા શખ્સોએ આ લોકો પર હથિયારોથી હુમલો કરી દીધો હતો.
તલવાર અને છરી વડે જીવલેણ હુમલો હુમલા દરમિયાન અમિત ઉર્ફે દાંતાળાએ પોતાની પાસે રહેલી તલવારનો ઘા પ્રકાશભાઈ પર કર્યો હતો. પ્રકાશે બચાવમાં પોતાનો જમણો હાથ આડો ધરી દેતા તલવારનો ઘા હથેળી અને અંગૂઠા પર વાગ્યો હતો, જેના કારણે તેમનો અંગૂઠો ચામડી સાથે લટકી ગયો હતો અને ભારે રક્તસ્ત્રાવ શરૂ થયો હતો.

