ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિદેશી દારૂના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી તળાજા પંથકમાંથી કરવામાં આવી હતી. પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી. અસારી, ભાવનગર રેન્જ, અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચનાથી ભાવનગર LCB ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.સી. શીંગરખીયા અને તેમની ટીમે નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે સઘન ઝુંબેશ હાથ ધરી હતી.
ગત તા. 16 મે, 2026ના રોજ ભાવનગર LCB ના પોલીસકર્મીઓ તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, છોટા ઉદેપુરના દારૂના ગુનાનો વોન્ટેડ આરોપી ભાવેશ ચંદુભાઇ જાંબુચા દકાના ગામના બસ સ્ટેશન પાસે ઊભો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને દકાના ગામના બસ સ્ટેશન પાસેથી આરોપી ભાવેશ ચંદુભાઇ જાંબુચાને ઝડપી પાડ્યો હતો. તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ માટે તળાજા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
ઝડપાયેલા આરોપીનું નામ ભાવેશ ચંદુભાઇ જાંબુચા (ઉંમર ૨૪ વર્ષ, ધંધો: ખેતી) છે. તે નવાપરા શેરી, દકાના, તા. તળાજા, જિ. ભાવનગરનો રહેવાસી છે. આ આરોપી છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫ એ, ઇ, ૧૧૬ (બી), ૮૧, ૮૩, ૯૮(૨) મુજબ નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતો.

