Gujarat

પટેલપાર્કથી બાયપાસ સુધી 200થી વધુ લીમડાનો ઉછેર

જામનગર શહેરના પટેલ પાર્કથી લાલપુર બાયપાસ સુધીનો માર્ગ અત્યારે પર્યાવરણપ્રેમીઓ અને વાહનચાલકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સદભાવના નામની સેવાભાવી સંસ્થા દ્વારા થોડા સમય પૂર્વે અહીં જે લીમડાના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું, તે આજે ઘટાદાર વૃક્ષો બનીને લહેરાઈ રહ્યા છે. અંદાજે 200 જેટલા લીલાછમ લીમડાના વૃક્ષો આજે રોડની વચ્ચે એક રક્ષણાત્મક હરિયાળી દીવાલની જેમ ઉભા છે.

​ધોમધખતા ઉનાળામાં જ્યારે ડામરના રસ્તાઓ ધગધગતા હોય છે, ત્યારે આ ઘટાદાર લીમડાઓ વાહનચાલકો અને રાહદારીઓને શીતળ છાંયડો અને શુદ્ધ ઓક્સિજન પૂરો પાડી રહ્યા છે. પર્યાવરણ જતનના આ ભગીરથ કાર્યને કારણે રસ્તા પરથી પસાર થતા લોકોને ગરમીમાંથી રાહત મળી રહી છે. સંસ્થાની દુરંદેશી અને જામનગરની જનતાના સહકારથી ઉછરેલા આ વૃક્ષો એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે જો યોગ્ય માવજત કરવામાં આવે તો ઉદ્યોગિક નગરીમાં પણ નંદનવન ખીલવી શકાય છે. પ્રકૃતિ અને વિકાસના સમન્વય સમાન આ હરિયાળી પટ્ટીએ સમગ્ર માર્ગની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા છે.